24 November, 2023 11:15 AM IST | Mathura | Gujarati Mid-day Correspondent
મથુરામાં ગઈ કાલે શ્રીકૃષ્ણ જન્મસ્થાન મંદિર ખાતે દર્શન કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં દર્શન કર્યાં હતાં. તેઓ ભગવાન શ્રીકૃષ્ણનાં ભક્ત અને કવયિત્રી મીરાબાઈની ૫૨૫મી જન્મજયંતીની ઉજવણી માટેના ‘મીરાબાઈ જન્મોત્સવ’માં ભાગ લેવા માટે આ શહેરમાં આવ્યા હતા.
વડા પ્રધાને શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર પહોંચીને ગર્ભગૃહમાં પૂજા અને દર્શન કર્યાં હતાં. પીએમ મોદી, રાજ્યપાલ આનંદીબહેન પટેલ, સીએમ આદિત્યનાથ યોગી, પૂજારી સહિત કુલ ૧૭ જણે ભાગવત ભવનમાં પૂજા કરી હતી. અહીં પીએમ મોદીએ મીરાબાઈના સન્માનમાં એક વિશેષ સ્ટૅમ્પ અને સિક્કો પણ રિલીઝ કર્યાં હતાં.
પીએમ મોદી બ્રજરજ ઉત્સવને અટેન્ડ કરવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે ‘મથુરા વિકાસની દોડમાં પાછળ નહીં રહે. અહીં ભગવાનનાં દર્શન વધુ દિવ્યતાથી થશે. મને ખુશી છે કે વ્રજ તીર્થ વિકાસ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘આ સામાન્ય ધરતી નથી. વ્રજની રજ પણ સમગ્ર સંસારમાં પવિત્ર મનાય છે. વિશ્વનાં તમામ તીર્થની યાત્રાથી જે લાભ મળે છે એ અહીં આવવાથી મળી જાય છે. દેશ જ્યારે આઝાદ થયો એ પછી પણ એ ગુલામીની માનસિકતામાં જકડાયેલો રહ્યો. વ્રજભૂમિને વિકાસથી વંચિત રાખ્યું, પરંતુ હવે જ્યારે શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠાની તારીખ આવી ગઈ છે ત્યારે એ દિવસ દૂર નથી કે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન વધુ દિવ્ય રીતે થશે.’
મહિલા સશક્તીકરણ વિશે તેમણે કહ્યું હતું કે ‘આપણો ભારત દેશ હંમેશાંથી નારીશક્તિનું પૂજન કરનારો દેશ રહ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણની આગળ પણ રાધા જ છે. આપણા દેશમાં મહિલાઓએ હંમેશાં જવાબદારી સ્વીકારી છે અને સમાજનું સતત માર્ગદર્શન કર્યું છે. મીરાબાઈ પણ એનું એક ઉદાહરણ રહ્યાં છે. મીરાબાઈએ મુશ્કેલ સમયમાં બતાવ્યું હતું કે નારીશક્તિ દેશને દિશા આપી શકે છે. તેઓ મહાન સમાજસુધારકોમાં સામેલ હતાં. તેમની રચનાઓ આજે પણ પ્રસ્તુત છે.’
શ્રીકૃષ્ણ અને મીરાબાઈનું ગુજરાત સાથે કનેક્શન
મથુરામાં ગઈ કાલે ‘સંત મીરાબાઈ જન્મોત્સવ’ પ્રોગ્રામને સંબોધી રહેલા પીએમ મોદી
વડા પ્રધાને કહ્યું હતું કે ‘મથુરાના આ સમારોહમાં આવવું એટલા માટે પણ વિશેષ છે કે ભગવાન શ્રીકૃષ્ણથી લઈને મીરાબાઈ બંનેનો ગુજરાત સાથે અલગ જ નાતો છે. મથુરાના કાનાએ અહીંથી જઈને ગુજરાતમાં દ્વારકા બનાવી અને તેમની મહાન ભક્ત મીરાબાઈએ રાજસ્થાનથી જઈને અંતિમ સમય ગુજરાતમાં વિતાવ્યો હતો.’