નરેન્દ્ર મોદીએ ફિલ્મ ‘શોલે’ના સીનને યાદ કરીને કૉન્ગ્રેસની ઠેકડી ઉડાડી

03 July, 2024 10:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

‘અરે મૌસી, તીસરી બાર હી તો હારે હૈં... અરે મૌસીજી, ૧૩ રાજ્યોં મેં ઝીરો સીટ આયી હૈ તો ક્યા હુઆ... હીરો તો હૈ ના’

ગઈ કાલે લોકસભામાં બોલતી વખતે વિવિધ મુદ્રામાં નરેન્દ્ર મોદી

લોકસભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતાં સદનના નેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વિરોધ પક્ષને જોરદાર ફટકાર આપી હતી અને આક્રમક ભાષામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જવાબ આપ્યા હતા. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના બાલકબુદ્ધિ જેવો શબ્દ વાપર્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસને ૯૯ બેઠકો મળી એ મુદ્દે હિન્દી ફિલ્મ ‘શોલે’ના ડાયલૉગ્સને ટાંકીને બોલતાં મોદીએ કહ્યું હતું કે દેશની સૌથી જૂની પાર્ટી એને વિજય ગણાવે છે. ‘શોલે’માં જય વીરુનું માગું લઈને બસંતીની મૌસીને મળવા ગયો એ સીનને યાદ કરીને મોદીએ કહ્યું હતું કે ‘અરે મૌસી, તીસરી બાર તો હારે હૈં... અરે મૌસીજી, ૧૩ રાજ્યો મેં ઝીરો સીટ આયી હૈ તો ક્યા હુઆ... હીરો તો હૈ ના.’

રાહુલ ગાંધીનું નામ લીધા વિના નરેન્દ્ર મોદીએ એક બાળકની સ્ટોરી કહી હતી કે ‘તે ૯૯ માર્ક્સ મેળવીને ઘરે ગયો અને મમ્મીને કહ્યું કે જો, મને ૯૯ માર્ક્સ મળ્યા છે. જોકે આ ૯૯ માર્ક્સ ૧૦૦માંથી નહીં, પણ ૫૪૩માંથી મળ્યા છે. આમ છતાં આ બાળબુદ્ધિ તેને વિજય સમજે છે.’વડા પ્રધાન જ્યારે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના મેમ્બરો મણિપુરના મુદ્દે સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા. મણિપુર, મણિપુર, તાનાશાહી નહીં ચલેગી, મણિપરુ કો ન્યાય દો જેવા નારા વિપક્ષના લોકો લગાવી રહ્યા હતા.

વડા પ્રધાનની સ્પીચ ચાલી રહી હતી ત્યારે સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કહ્યું હતું કે ‘મેં તમને સોમવારે ૯૦ મિનિટ સુધી બોલવાની પરવાનગી આપી હતી. સદનના નેતા બોલી રહ્યા છે ત્યારે આમ સૂત્રોચ્ચાર યોગ્ય નથી. પાંચ વર્ષ સુધી આમ નહીં ચાલે.’

વડા પ્રધાન મોદીએ બીજું શું કહ્યું?

Lok Sabha narendra modi bharatiya janata party congress national news political news indian politics