05 April, 2023 03:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે ભુતાનના રાજા જિગ્મે ખેસાર નામગ્યેલ વાંગચુકની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર એ.એન.આઇ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ભુતાનના રાજા જિગ્મે ખેસાર નામગ્યેલ વાંગચુકની સાથે વાતચીત કરી હતી, જેમાં આર્થિક સહકાર સહિત જુદા-જુદા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના ઉપાયો પર ફોકસ કરવામાં આવ્યું હતું. ચીન ભુતાન પર એનો પ્રભાવ વધારવાના પ્રયાસો કરી રહ્યું છે ત્યારે એને લઈને ભારતની ચિંતા વચ્ચે આ રાજાએ તેમની બે દિવસની વિઝિટની સોમવારથી શરૂઆત કરી હતી.
નોંધપાત્ર છે કે ભુતાનના વડા પ્રધાન લોટય ત્શેરિંગે ચીનની સરહદે આવેલો દોકલામ માત્ર ભારત અને ભુતાનનો ભાગ હોવાના દાવાને નબળો પાડીને તાજેતરમાં ચીનને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ત્રણેય દેશોની વચ્ચે એકસરખા ભાગે આ વિસ્તારને વહેંચવો જોઈએ.
દરમ્યાનમાં વિદેશ સચિવ વિનય મોહન કવાત્રાએ જણાવ્યું હતું કે પીએમ મોદી અને ભુતાનના રાજા વચ્ચેની મીટિંગમાં બંને દેશોનાં રાષ્ટ્રીય હિતોના મુદ્દા સહિત સમગ્ર દ્વિપક્ષીય સંબંધોને કવર કરવામાં આવ્યા હતા. ભારત અને ભુતાન સુરક્ષાના મામલે સહકારના સંબંધમાં એકબીજાના ગાઢ સંપર્કમાં છે.