મોદી બાવીસમી જાન્યુઆરીએ શ્રીરામ મંદિર લોકોને કરશે અર્પણ

10 September, 2023 09:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જાન્યુઆરીમાં લોકાર્પણ વિધિ માટે પૂજાની તૈયારી શરૂ થશે અને પીએમ મોદીની મંજૂરી બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે

ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૪માં બાવીસમી જાન્યુઆરીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરનું લોકાર્પણ કરશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ઉચ્ચ સ્થાનેથી સોર્સીસ જણાવે છે કે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં ચોક્કસથી આ લોકાર્પણ થશે. સ્વામી ગોવિંદગિરિએ એક રાષ્ટ્રીય ન્યુઝ એજન્સીના અહેવાલમાં જણાવ્યું હતું કે ૨૧થી ૨૩ જાન્યુઆરી વચ્ચે શુભ મુહૂર્ત આવનાર હોવાથી પીએમ મોદીને આ માહિતી આપવામાં આવશે.

જાન્યુઆરીમાં લોકાર્પણ વિધિ માટે પૂજાની તૈયારી શરૂ થશે અને પીએમ મોદીની મંજૂરી બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે. નોંધનીય છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા તારીખની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. બીજા એક મીડિયા રિપોર્ટ અનુસાર ૨૪ જાન્યુઆરીએ લોકાર્પણ થશે.

જોકે હજી કોઈ સત્તાવાર મંજૂરીની જાહેરાત થઈ નથી. અયોધ્યામાં દરખાસ્ત મુજબનું મ્યુઝિયમ તૈયાર કરવાનું પ્રેઝન્ટેશન જે ભારતભરનાં પ્રખ્યાત મંદિરોનો ઇતિહાસ દર્શાવે છે, બુધવારે વડા પ્રધાન મોદી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં મંગળવારે પીએમની હાઈ-લેવલ બેઠકમાં ટેમ્પલ સિટીમાં મ્યુઝિયમના વિકાસનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો, જેમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને અયોધ્યાના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાલ અયોધ્યામાં રામમંદિર નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેનું પીએમ મોદી દ્વારા ૨૦૨૦ની પાંચમી ઑગસ્ટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૦માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં રામમંદિરના નિર્માણની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને પાંચ જજોની બેન્ચે ૨૦૧૯ની ૯ નવેમ્બરે રામ લલ્લાના હકમાં નિર્ણય આપતાં જણાવ્યું હતું કે ૨.૭ એકરમાં ફેલાયેલી સમગ્ર વિવાદિત જમીન સરકાર દ્વારા ટ્રસ્ટને સોંપવામાં આવશે, જે રામમંદિરના નિર્માણ માટે દેખરેખ રાખી રહ્યું છે. 

ram mandir ayodhya narendra modi national news