૧૬૦૦ વર્ષ જૂનો છે નાલંદા યુનિવર્સિટીનો ઇતિહાસ, નવા કૅમ્પસની ખાસિયતો શું હશે એ પણ જાણી લો

20 June, 2024 03:13 PM IST  |  Rajgir | Gujarati Mid-day Correspondent

ભારતીય ગણિતશાસ્ત્રી અને શૂન્યના શોધક આર્યભટ્ટ ૬ઠ્ઠી સદી દરમ્યાન નાલંદાના પ્રતિષ્ઠિત શિક્ષકોમાંથી એક હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કૅમ્પસનું લોકાર્પણ કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કૅમ્પસનું લોકાર્પણ કર્યું હતું. આ યુનિવર્સિટી સાથે ભારતની શિક્ષણ વ્યવસ્થાની ઉજ્જવળ ઇતિહાસગાથા જોડાયેલી છે. આ કૅમ્પસની ખાસિયત એ છે કે એ નાલંદાના પ્રાચીન અવશેષોની નજીક છે. નાલંદા યુનિવર્સિટીની સ્થાપના ૧૬૦૦ વર્ષ પહેલાંના મગધ (આજે બિહાર)માં પાંચમી સદીમાં થઈ હતી. ઇતિહાસમાં નાલંદાનું નામ વિશ્વની સૌપ્રથમ રેસિડેન્શ્યલ યુનિવર્સિટી તરીકે નોંધાયેલું છે જેણે ચીન, કોરિયા, જપાન, તિબેટ, મૉન્ગોલિયા, શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના વિદ્વાનોને પણ ભારત આવવા આકર્ષ્યા હતા. આ પ્રાચીન યુનિવર્સિટીમાં દવા, આયુર્વેદ, બૌદ્ધ ધર્મ, ગણિત, વ્યાકરણ, ખગોળશાસ્ત્ર અને ભારતીય ફિલસૂફી જેવા વિષયોનો અભ્યાસ થતો હતો.

૮મી અને ૯મી સદી દરમ્યાન પાલ વંશના શાસન હેઠળ નાલંદા યુનિવર્સિટીનો વિકાસ થયો હતો. ભારતીય ગણિતશાસ્ત્રી અને શૂન્યના શોધક આર્યભટ્ટ ૬ઠ્ઠી સદી દરમ્યાન નાલંદાના પ્રતિષ્ઠિત શિક્ષકોમાંથી એક હતા. એ સમયે આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો એ આજની IIT કે IIM જેવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા જેટલું મુશ્કેલ હતું. આ પ્રાચીન શાળા ૧૧૯૦ના દાયકામાં તુર્ક-અફઘાન લશ્કરી જનરલ બખ્તિયાર ખિલજીના આક્રમણનો ભોગ બની હતી. નાલંદામાં લાગેલી આગને લીધે મૂલ્યવાન સંગ્રહો નાશ પામ્યા હતા. વિનાશમાંથી બચી ગયેલી કેટલીક હસ્તપ્રતો હવે લૉસ ઍન્જલસ કાઉન્ટી મ્યુઝિયમ ઑફ આર્ટ અને તિબેટના યાર્લુંગ મ્યુઝિયમમાં સચવાયેલી છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. APJ અબ્દુલ કલામે નાલંદાનો વારસો પુનર્જીવિત કરવાનું સપનું જોયું હતું, જે હવે સાકાર થયું છે. ૧૦૦ એકરમાં ફેલાયેલું નવું કૅમ્પસ ઇકો-ફ્રેન્ડ્લી આર્કિટેક્ચર અને પ્રાચીન વાસ્તુ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. નાલંદા કૅમ્પસ નેટ ઝીરો એનર્જી કૅમ્પસ છે. મલતબ કે આ કૅમ્પસના બિલ્ડિંગો જે એનર્જી યુઝ કરશે એ સંપૂર્ણપણે આ જ સાઇટ પરથી પેદા થયેલી રીન્યુએબલ એનર્જી જેટલી જ હશે. યુનિવર્સિટીમાં લગભગ ૧૯૦૦ બાળકોને સમાવી શકે એવા ૪૦ વર્ગખંડ છે. આ ઉપરાંત નવા કૅમ્પસમાં બે ઑડિટોરિયમ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, મેડિકલ સેન્ટર, કમર્શિયલ સેન્ટર, ફેકલ્ટી ક્લબ અને વિશાળ લાઇબ્રેરી જેવી સુવિધાઓ પણ છે.

narendra modi bihar life masala national news