નંબર-ગેમ તો ચાલતી રહેવાની હાર-જીત રાજકારણનો હિસ્સો

06 June, 2024 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છેલ્લી કૅબિનેટ મીટિંગમાં નરેન્દ્ર મોદીએ સાથીઓને કહ્યું આ : રાષ્ટ્રપતિને સોંપ્યું રાજીનામું, ૮ જૂને ફરી વડા પ્રધાન તરીકે શપથ લે એવી ચર્ચા

ગઈ કાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપતા નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની છેલ્લી કૅબિનેટ મીટિંગમાં એક મહત્ત્વનો સંદેશ આપ્યો છે અને કહ્યું છે કે નંબર-ગેમ ચાલતી રહેશે, રાજકારણમાં હાર-જીત થતી રહે છે, આપણે ગયાં ૧૦ વર્ષમાં જે સારું કામ કર્યું છે એ કામ આગળ પણ એમ જ ચાલુ રહેશે.

૨૦૧૪માં ભારતીય જનતા પાર્ટી (BJP)ને ૨૮૨ અને ૨૦૧૯માં ૩૦૩ બેઠકો મળી હતી. જોકે ૨૦૨૪માં ૨૪૦ બેઠકો મળી છે જે બહુમતી કરતાં ૩૨ બેઠકો ઓછી છે. BJPને હવે નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના સાથીપક્ષોને મળેલી ૫૩ બેઠકો પર આધાર રાખવો પડશે.

મોદીએ બીજા કાર્યકાળની છેલ્લી કૅબિનેટમાં તમામ મંત્રીઓ સાથે વાતચીત કરી હતી અને પછી રાષ્ટ્રપતિભવન ગયા હતા. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું આપ્યું હતું અને તેમણે રાજીનામું સ્વીકારી લીધું હતું અને નવી સરકાર બને ત્યાં સુધી કાર્યવાહક વડા પ્રધાન બની રહેવા વિનંતી કરી હતી.

વડા પ્રધાન શનિવારે ત્રીજા કાર્યકાળ માટે શપથ લે એવી શક્યતા છે. ૧૭મી લોકસભાનો કાર્યકાળ ૧૬ જૂને પૂરો થાય છે.

narendra modi bharatiya janata party national news droupadi murmu