29 May, 2024 07:05 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નરેન્દ્ર મોદીએ કલકત્તાના બાગબઝારમાં શ્રી શ્રી સારદા માયેર બાડી મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પશ્ચિમ બંગાળના બારાસત અને ઝારખંડના દુમકામાં દેશના ભ્રષ્ટ નેતાઓ સામે ૪ જૂન પછી સખત ઍક્શનની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ જશે એ પછી ભ્રષ્ટ નેતાઓ સામે સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ મોદીની ગૅરન્ટી છે અને પાવરફુલ લોકોનો એવો એક્સરે કાઢવામાં આવશે કે તેમની આગામી પેઢીઓ પણ ભ્રષ્ટાચાર કરતાં પહેલાં સો વાર વિચારશે.
આ મુદ્દે બારાસતમાં એક પ્રચારસભાને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે ‘૧૦ વર્ષ પહેલાં મેં દેશમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને મેં એ વચન પાળી બતાવ્યું છે. હવે હું દેશને ખાતરી આપું છું કે ‘ન ખાઉંગા, ન ખાને દૂંગા’. તૃણમૂલ કૉન્ગ્રેસના નેતાઓનાં ઘરમાંથી નોટોના પહાડ મળી આવે છે, આ નોટો જેની છે તેમને પાછી મળે એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે, દરેકને ન્યાય મળશે.’
બીજી તરફ દુમકામાં ઝારખંડ મુક્તિ મોરચા અને કૉન્ગ્રેસ પર ઝારખંડને ચારેબાજુથી લૂંટી લેવાનો આરોપ લગાવીને મોદીએ કહ્યું હતું કે ‘કુદરતી ખનિજ તત્ત્વોથી સમૃદ્ધ આ રાજ્ય હવે નોટોના પહાડોથી નામચીન બન્યું છે. જોકે ૪ જૂન બાદ ભ્રષ્ટ નેતાઓ સામેની કાર્યવાહી જોર પકડશે એ મોદીની ગૅરન્ટી છે. આગામી પાંચ વર્ષમાં દેશમાંથી ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવામાં આવશે.’