10 April, 2023 12:11 PM IST | Chamrajnagar | Gujarati Mid-day Correspondent
ખાસ મુલાકાત કરી : વડા પ્રધાને ગઈ કાલે પર્વતીય નીલગિરિ જિલ્લામાં મુદુમલાઈમાં થેપ્પક્કડુ એલિફન્ટ કૅમ્પની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે ઑસ્કર વિનિંગ ડૉક્યુમેન્ટરી ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’માં જોવા મળેલા એલિફન્ટ કૅરટેકર્સ બેલી અને બોમ્મન સાથે વાતચીત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એક અલગ અંદાજમાં કર્ણાટકમાં બાંદીપુર ટાઇગર રિઝર્વ ખાતે સફારીને માણી હતી. તેમણે પ્રોજેક્ટ ટાઇગરનાં ૫૦ વર્ષ પૂરાં થતાં આયોજિત કાર્યક્રમોના ભાગરૂપે સુંદરતાના શિખર સમાન પશ્ચિમી ઘાટોની વચ્ચે આવેલા આ ટાઇગર રિઝર્વની મુલાકાત લીધી હતી. તેમણે એ સમયે બ્લૅક હૅટ, ખાખી પૅન્ટ, જૅકેટ અને કેમોફ્લેજ ટી-શર્ટ પહેર્યાં હતાં. તેમણે ખુલ્લી જીપમાં લગભગ ૨૦ કિલોમીટરનું અંતર કવર કર્યું હતું. આ ટાઇગર રિઝર્વનો થોડોક ભાગ ચમરાજનગર જિલ્લાના ગુંદલુપેટ તાલુકામાં છે, જ્યારે થોડોક ભાગ મૈસુર જિલ્લાના એચ. ડી. કોટે અને નાજંનગુડ તાલુકાઓમાં છે.
મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘કુદરતી સૌંદર્ય ધરાવતા બાંદીપુર ટાઇગર રિઝર્વમાં સવાર પસાર કરી અને ભારતના વાઇલ્ડલાઇફ, કુદરતી સૌંદર્ય અને વૈવિધ્યતાની ઝલક મેળવી.’
સફારી દરમ્યાન ખુલ્લી જીપમાં વડા પ્રધાન.
મેલુકમનહલ્લી હેલિપૅડ ખાતે આવ્યા બાદ વડા પ્રધાન રોડ માર્ગે બાંદીપુરમાં વન વિભાગના રિસેપ્શન સેન્ટરમાં ગયા હતા. ત્યાં તેમણે જંગલ માટે શહીદી વહોરનારાઓને અંજલિ અર્પી હતી. એ પછી તેઓ વન વિભાગની જીપમાં સફારી માટે નીકળ્યા હતા.
મોદીએ તેમના ટ્વિટર અકાઉન્ટ પર સફારીના ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે જેમાં તેઓ ખુલ્લી જીપમાં કૅમેરા અને બાયનોક્યુલર સાથે ઊભા જોવા મળ્યા હતા. તેમણે હાથી અને લંગુર સહિત જુદાં-જુદાં પ્રાણીઓના ફોટોગ્રાફ્સ શૅર કર્યા હતા.
બાંદીપુર ટાઇગર રિઝર્વમાં ગઈ કાલે અલગ અંદાજમાં પીએમ મોદી.
આ રિઝર્વ એરિયાને ૧૯૭૩માં પ્રોજેક્ટ ટાઇગર હેઠળ સમાવાયો હતો. બાંદીપુર ટાઇગર રિઝર્વના કન્ટ્રોલ હેઠળ અત્યારનો એરિયા ૯૧૨.૦૪ ચોરસ કિલોમીટર છે.