વડા પ્રધાને પાંચ વંદે ભારત ટ્રેનોને આપી લીલી ઝંડી

28 June, 2023 11:48 AM IST  |  Bhopal | Gujarati Mid-day Correspondent

મોદી ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.

ભોપાલમાં ગઈ કાલે રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન્સને લૉન્ચ કરવાના કાર્યક્રમ દરમ્યાન એક વંદે ભારત એક્સપ્રેસમાં સ્ટુડન્ટ્સ સાથે વાતચીત કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મધ્ય પ્રદેશના ભોપાલની મુલાકાત લીધી હતી અને દેશના જુદા-જુદા ભાગમાં મહત્ત્વનાં શહેરોને કનેક્ટ કરતી પાંચ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. મોદી ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમણે બે ટ્રેનોને ફિઝિકલી, જ્યારે ત્રણ ટ્રેનોને વર્ચ્યુઅલ મોડમાં લીલી ઝંડી બતાવી હતી. 
આ પ્રસંગે રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ, મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય પ્રધાનો નરેન્દ્ર સિંહ તોમર અને જ્યોતિરાદિત્ય સિંધિયા ઉપસ્થિત રહ્યા હતા.  
પહેલી વખત એક જ દિવસમાં આટલી બધી વંદે ભારત ટ્રેનોને લૉન્ચ કરવામાં આવી છે, જેમાંથી બે ટ્રેન મધ્ય પ્રદેશને મળી છે કે જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 

આ પાંચ ટ્રેનોને લૉન્ચ કરવામાં આવી, મહત્ત્વનાં શહેરોની કનેક્ટિવિટીમાં સુધારો થશે
 
૧) રાની કમલાપતિ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસ મધ્ય પ્રદેશના મહાકૌશલ પ્રદેશ (જબલપુર)ને મધ્ય ભાગ (ભોપાલ)ની સાથે જોડશે. બેરાઘાટ, પંચમઢી અને સાતપુડા જેવી ટૂરિસ્ટ પ્લેસને આ કનેક્ટિવિટીમાં સુધારો થવાને કારણે લાભ થશે. 
૨) ખજૂરાહો-ભોપાલ-ઇન્દોર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માલવા પ્રદેશ (ઇન્દોર) અને બુંદેલખંડ પ્રદેશ (ખજૂરાહો)થી મધ્ય ભાગ (ભોપાલ)ની કનેક્ટિવિટીમાં સુધારો લાવશે. એનાથી મહાકાલેશ્વર, મહેશ્વર, ખજૂરાહો અને પન્ના જેવાં મહત્ત્વનાં ટૂરિસ્ટ સ્થળોને લાભ થશે.  
૩) મડગાંવ (ગોવા)-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ગોવાની પહેલી વંદે ભારત એક્સપ્રેસ છે. 
૪) ધારવાડ-બૅન્ગલોર વંદે ભારત એક્સપ્રેસ કર્ણાટકમાં ધારવાડ, હુબલી અને દાવણગેરે જેવાં મહત્ત્વનાં શહેરોને રાજ્યની રાજધાની બૅન્ગલોરની સાથે 
કનેક્ટ કરશે. 
૫) હટિયા-પટના વંદે ભારત એક્સપ્રેસ એ ઝારખંડ અને બિહાર માટેની પહેલી વંદે ભારત ટ્રેન છે, જેનાથી પટના અને રાંચી વચ્ચેની કનેક્ટિવિટી વધશે. 
narendra modi bhopal madhya pradesh vande bharat national news