26 February, 2025 07:08 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
રવિવારે ‘મન કી બાત’માં ઓબેસિટી એટલે કે મેદસ્વિતા સામેની લડત વિશે વાત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું ૧૦ જણને તેમના ભોજનમાં તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવાની વિનંતી કરીશ અને એમ કરવાનો તેમને પડકાર આપીશ તથા તેમને આગ્રહ કરીશ કે તેઓ નવા ૧૦-૧૦ જણને આ ચૅલેન્જ પાસ-ઑન કરે.
‘મન કી બાત’માં કહ્યા પ્રમાણે નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સવારે ૧૦ જણનાં નામ જાહેર કરીને તેમને ખાવામાં તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવાની અપીલ કરી હતી. વડા પ્રધાનની ચૅલેન્જ સ્વીકારીને આ ૧૦ જણમાંના મોટા ભાગના લોકોએ બીજા ૧૦ જણને ઑબેસિટી સામેની આ ફાઇટમાં નૉમિનેટ કર્યા છે.
નરેન્દ્ર મોદીએ ૨૮ જાન્યુઆરીએ દેહરાદૂનમાં નૅશનલ ગેમ્સના ઉદ્ઘાટન-સમારોહમાં મેદસ્વિતા સામે લડવાના ઉપાય તરીકે ભોજનમાંથી તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવાની વાત પહેલી વાર કરી હતી. એ વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નક્કી કરો કે દર મહિને ૧૦ ટકા ઓછું તેલ વાપરીશું, તેલ ખરીદતી વખતે ૧૦ ટકા ઓછું તેલ ખરીદીશું.