01 April, 2024 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિખ્યાત સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે ઓડિશાના પુરીના દરિયાકાંઠે લાલ કૃષ્ણ અડવાણીને અભિનંદન આપતું રેતશિલ્પ બનાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈ કાલે પીઢ નેતાના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં અને તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપ્યો હતો. આ દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ અને અડવાણીના પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિએ ૯૬ વર્ષના દિગ્ગજ નેતાને સન્માનિત કર્યા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની બાજુમાં બેઠા હતા. ઍક્સ (ટ્વિટર) પર શૅર કરવામાં આવેલા ફોટો સાથે વડા પ્રધાને કહ્યું હતું કે ‘લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત થયાના સાક્ષી બનવું એ ખૂબ જ ખાસ હતું. આ સન્માન આપણા રાષ્ટ્રની પ્રગતિમાં તેમના નિરંતર યોગદાનને દર્શાવે છે. લોકસેવા પ્રત્યેનું તેમનું સમર્પણ અને આધુનિક ભારતને ઘડવામાં તેમની મહત્ત્વની ભૂમિકાએ આપણા ઇતિહાસ પર અમીટ છાપ છોડી છે. મને ગર્વ છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં તેમની સાથે ખૂબ નજીકથી કામ કરવાની તક મળી છે.’
રાષ્ટ્રપતિ ભવને અડવાણીને ભારતીય રાજનીતિના પ્રણેતા ગણાવ્યા હતા અને અયોધ્યામાં રામ મંદિરના પુનર્નિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. ઍક્સ પોસ્ટમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ‘તેમણે સાત દાયકાથી વધુ સમયથી અતૂટ સમર્પણ અને વિશિષ્ટતા સાથે રાષ્ટ્રની સેવા કરી છે. એક સંસદસભ્ય તરીકે તેમના સંવાદોએ સંસદીય પરંપરાઓને સમૃદ્ધ બનાવી. તેમણે ગૃહપ્રધાન અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન તેમણે કાશ્મીરમાં શાંતિ લાવવાના પ્રયત્નો કર્યા અને તેમના પ્રયાસોને કારણે ત્રણ નવાં રાજ્યો - છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડનું નિર્માણ થયું હતું.’