29 May, 2024 08:20 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે વિશ્વને મહાત્મા ગાંધી વિશે ફિલ્મ દ્વારા ખબર પડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કૉંગ્રેસની ટીકા કરતા દાવો કર્યો કે રિચર્ડ એટનબરોની 1982ની ફિલ્મ `ગાંધી` બનવા સુધી વિશ્વને મહાત્મા ગાંધી વિશે વધારે ખ્યાલ નહોતો. એબીપી ન્યૂઝ ચેનલને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ દાવો કર્યો કે મહાત્મા ગાંધી એક મહાન માણસ હતા, પણ વિશ્વને તેમના વિશે ખબર નહોતી. તેમણે એ પણ પૂછ્યું કે છેલ્લા 75 વર્ષમાં મહાત્મા ગાંધીને વિશ્વભરમાં માન્યતા અપાવવાની જવાબદારી દેશની નહોતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ટરવ્યૂ દરમિયાન દાવો કર્યો કે, `મહાત્મા ગાંધી વિશ્વની એક મહાન આત્મા હતા. આ 75 વર્ષમાં શું મહાત્મા ગાંધી વિશે વિશ્વને જણાવવું આપણી જવાબદારી નહોતી? કોઈપણ તેમના વિશે જાણતું નહોતું. મને માફ કરો, પણ વિશ્વમાં પહેલી વાર તેમના વિશે જિજ્ઞાસા ત્યારે પેદા થઈ, જ્યારે ફિલ્મ `ગાંધી` બની. અમે એવું નથી કર્યું.` પીએમ મોદીએ એ પણ દાવો કર્યો કે, `જો વિશ્વ માર્ટિન લૂથર કિંગ, નેલ્સન મંડેલાને ઓળખે છે, તો ગાંધી એમનાથી ઓછા નહોતા અને તમારે એ સ્વીકારવું પડશે. હું વિશ્વની યાત્રા કર્યા બાદ આ કહી રહ્યો છું...`
ટીવી ઈન્ટરવ્યૂનો વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કૉંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટિપ્પણીની ટીકા કરી. વરિષ્ઠ કૉંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર `મહાત્મા ગાંધીના વારસાને નષ્ટ કરવા`નો આરોપ મૂક્યો છે. રમેશે એક્સ પર લખ્યું છે કે `એવું લાગે છે કે વડાપ્રધાન એવા વિશ્વમાં રહે છે, જ્યાં 1982 પહેલા મહાત્મા ગાંધીને વિશ્વભરમાં માન્યતા નહોતી મળી. જો કોઈએ મહાત્મા ગાંધીના વારસાને નષ્ટ કર્યો છે, તો તે પોતે વડાપ્રધાન છે. આ તેમની સરકાર છે જેણે વારાણસી, દિલ્હી અને અમદાવાદમાં ગાંધીવાદી સંસ્થાનોને નષ્ટ કરી દીધા છે.`
તેમણે કહ્યું કે `આ આરએસએસ કાર્યકર્તાઓની ઓળખ છે કે તેઓ મહાત્મા ગાંધીના રાષ્ટ્રવાદને સમજી શકતા નથી. આ તેમની વિચારધારા દ્વારા બનાવેલ વાતાવરણ હતું, જેને કારણે નાથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી.` રમેશએ એ પણ કહ્યું કે 2024ની લોકસભા ચુંટણી મહાત્માના ભક્તો અને ગોડસેના ભક્તો વચ્ચેની લડાઈ છે. તેમણે દાવો કર્યો કે `પ્રધાનમંત્રી અને તેમના ગોડસે ભક્ત સાથીઓની હાર નિશ્ચિત છે.`
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પશ્ચિમ બંગાળના બારાસત અને ઝારખંડના દુમકામાં દેશના ભ્રષ્ટ નેતાઓ સામે ૪ જૂન પછી સખત ઍક્શનની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ જશે એ પછી ભ્રષ્ટ નેતાઓ સામે સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ મોદીની ગૅરન્ટી છે અને પાવરફુલ લોકોનો એવો એક્સરે કાઢવામાં આવશે કે તેમની આગામી પેઢીઓ પણ ભ્રષ્ટાચાર કરતાં પહેલાં સો વાર વિચારશે.