11 March, 2023 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે હૈદરાબાદ હાઉસમાં મીટિંગ બાદ જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પીએમ ઍન્થની અલ્બનીઝ. તસવીર: પી.ટી.આઇ.
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઑસ્ટ્રેલિયન પીએમ ઍન્થની અલ્બનીઝની સાથે ઑસ્ટ્રેલિયામાં મંદિરો પર તાજેતરમાં થયેલા હુમલાના મુદ્દે ચર્ચા કરી હતી.
મોદીએ તેમના મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘એ દુખની બાબત છે કે ઑસ્ટ્રેલિયામાંથી છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં મંદિરો પર હુમલાના ન્યુઝ રેગ્યુલરલી આવી રહ્યા છે. સ્વાભાવિક રીતે આવા સમાચારથી ભારતમાં સૌને ચિંતા થઈ રહી છે.’
ઑસ્ટ્રેલિયન વડા પ્રધાનની હાજરીમાં મોદીએ કહ્યું હતું કે ‘મેં આ લાગણી અને ચિંતા વડા પ્રધાન અલ્બનીઝ સમક્ષ રજૂ કરી છે. તેમણે મને ખાતરી આપી છે કે તેમના માટે ભારતીય સમુદાયની સુરક્ષા સ્પેશ્યલ પ્રાથમિકતા છે.’
મોદીએ કહ્યું હતું કે ‘આ મામલે અમારી ટીમ સતત એકબીજાના કૉન્ટૅક્ટમાં રહેશે અને શક્ય એટલો સહકાર આપશે.’
ભારત-ઑસ્ટ્રેલિયા આર્થિક સહકાર કરારને વહેલાસર કમ્પ્લીટ કરવા માટે સંમત
અલ્બનીઝે નવી દિલ્હીમાં પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયા ભારતની સાથે ડિફેન્સ પાર્ટનરશિપને મજબૂત કરવા સંમત છે. સાથે જ પીએમ મોદી અને હું ભારત-ઑસ્ટ્રેલિયા સર્વગ્રાહી આર્થિક સહકાર કરારને વહેલાસર કમ્પ્લીટ કરવા માટે સંમત છીએ.’ મોદી અને અલ્બનીઝે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. ઑસ્ટ્રેલિયન પીએમ ૧૧ માર્ચ સુધી ભારતની મુલાકાતે છે. ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે ગઈ કાલે સ્પોર્ટ્સ તેમ જ ઑડિયો-વિઝ્યુઅલ કો-પ્રોડક્શન માટે બે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતાં મોદીએ ઑસ્ટ્રેલિયન પીએમની સાથે ઇન્ડો-પૅસેફિકમાં દરિયાઈ સુરક્ષા વધારવાના ઉપાયો વિશે પણ ચર્ચા કરી હતી.