સાયન્ટિસ્ટ્સને શાબાશી, સ્ટુડન્ટ્સને હોમવર્ક

27 August, 2023 10:05 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

પીએમ મોદી ઍથેન્સથી સીધા બૅન્ગલોરમાં ઇસરોના સાયન્ટિસ્ટ્સ વચ્ચે જઈ પહોંચ્યા, અહીં તેમને સંબોધતી વખતે તેઓ ઓછામાં ઓછા પાંચ વખત ભાવુક થઈ ગયા હતા, તેઓ વારંવાર ઇસરોના સાયન્ટિસ્ટ્સને અભિનંદન આપતા રહ્યા અને સાથે જ હોમવર્કમાં સ્ટુડન્ટ્સને ભારતીય શાસ્ત્રોમાં..

બૅન્ગલોરમાં ગઈ કાલે ફોટોગ્રાફ માટે પોઝ આપી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઇસરોના ચૅરમૅન એસ. સોમનાથ અને અન્ય સાયન્ટિસ્ટ્સ. પી.ટી.આઇ.

બૅન્ગલોર ઃ બૅન્ગલોરમાં ઇસરો ટેલિમેટ્રી ટ્રૅકિંગ ઍન્ડ કમાન્ડ નેટવર્ક ખાતે ગઈ કાલે ગર્વ, ભાવુક અને પ્રશંસાની ઊંચી ઉડાન ભરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચન્દ્રયાન-3 મિશનમાં સંકળાયેલા ઇસરોના સાયન્ટિસ્ટ્સને અભિનંદન આપવા અને તેમની સાથે વાતચીત કરવા માટે ગ્રીક રાજધાની ઍથેન્સથી ગઈ કાલે સવારે સીધા જ બૅન્ગલોર પહોંચ્યા હતા. અહીં તેઓ ઓછામાં ઓછા પાંચ વખત ભાવુક થયા હતા. તેમણે અનેક વખત ઇસરોના સાયન્ટિસ્ટ્સની પ્રશંસા કરી હતી. પીએમની સ્પીચના કેટલાક અંશો...  

૧) તમારા બધાની વચ્ચે આવીને આજે એક પ્રકારની ખુશી ફીલ કરી રહ્યો છું. કદાચ એવી ખુશી ખૂબ જ રૅર પ્રસંગે હોય છે કે જ્યારે તન, મન ખુશીઓથી ભરપૂર થઈ જાય છે. વ્યક્તિના જીવનમાં અનેક વખત એવી ઘટના બને છે કે જ્યારે આતુરતા હાવી થઈ જાય છે. આ વખતે મારી સાથે પણ એમ જ થયું હતું. હું સાઉથ આફ્રિકા અને એના પછી ગ્રીસ ગયો હતો, પરંતુ મારું મન તમારામાં જ હતું. જોકે ક્યારેક લાગે છે કે હું તમારા લોકોની સાથે અન્યાય કરું છું. આતુરતા મારી, મુસીબત તમારી. સવારે-સવારે તમારા બધા ની સમક્ષ આવ્યો. એક વખત અહીં આવીને તમને નમન કરવાની ઇચ્છા થઈ. તમને મુશ્કેલી પણ થઈ હશે, પરંતુ હું ભારતમાં આવતાં જ જલદીમાં જલદી તમારાં દર્શન કરવા ઇચ્છતો હતો. તમને બધાને સૅલ્યુટ કરવા ઇચ્છતો હતો. તમારા પરિશ્રમને, તમારી ધીરજને, તમારા ડેડિકેશનને અને તમારા જુસ્સાને સૅલ્યુટ. ઇન્ડિયા ઇઝ ઑન ધ મૂન.

૨) મારી આંખો સમક્ષ ૨૩ ઑગસ્ટનો એ દિવસ, એ એક-એક સેકન્ડ વારંવાર ફરી રહી છે. ટચડાઉન કન્ફર્મ થયું ત્યારે ઇસરો સેન્ટરમાં અને સમગ્ર દેશમાં લોકો ખુશીથી ઊછળી પડ્યા એ દૃશ્ય કોણ ભૂલી શકે? એ પળ આ સદીની સૌથી પ્રેરણાદાયી ક્ષણોમાંની એક છે. દરેક ભારતીયને લાગતું હતું કે આ વિજય તેનો પોતાનો છે. 

૩) હું તમારા બધાના જેટલા ગુણગાન કરું એટલા ઓછા છે. મેં એ ફોટો જોયો કે જેમાં આપણા મૂન લૅન્ડરે અંગદની જેમ ચન્દ્રની સપાટી પર પોતાના પગ જમાવ્યા છે. એક તરફ વિક્રમનો વિશ્વાસ છે તો બીજી બાજુ પ્રજ્ઞાનનું પરાક્રમ છે. આપણું પ્રજ્ઞાન સતત ચન્દ્રની સપાટી પર નિશાન છોડી રહ્યું છે. અલગ-અલગ કૅમેરામાંથી લેવામાં આવેલી તસવીરો વન્ડરફુલ છે. ચન્દ્રયાન મહાઅભિયાન માત્ર ભારતની જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતની સફળતા છે. 

ચન્દ્રયાન-3નું મૂન લૅન્ડર ઊતર્યું એ પૉઇન્ટને શિવશક્તિ નામ અપાયું
વડા પ્રધાને કહ્યું કે ‘સ્પેસ મિશન્સમાં ટચડાઉન પૉઇન્ટને એક નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. ચન્દ્રના જે ભાગમાં આપણું ચન્દ્રયાન ઊતર્યું છે ભારતે એ સ્થાનનું નામકરણ કરવાનો પણ નિર્ણય કર્યો છે. જે સ્થાન પર ચન્દ્રયાન-3નું મૂન લૅન્ડર ઊતર્યું છે હવે એ પૉઇન્ટ શિવશક્તિ તરીકે જાણીતું થશે. શિવમાં માનવતાના કલ્યાણનો સંકલ્પ સામેલ છે અને શક્તિથી આપણને એ સંકલ્પોને પૂરા કરવાની ક્ષમતા મળે છે. ચન્દ્રનો શિવશક્તિનો પૉઇન્ટ હિમાલયથી કન્યાકુમારી સાથે જોડાયેલા હોવાનો બોધ કરાવે છે. આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે નિર્માણથી પ્રલય સુધી સમગ્ર સૃષ્ટિનો આધાર નારીશક્તિ છે. તમે બધાએ જોયું છે કે ચન્દ્રયાન-3 મિશનમાં આપણી મહિલા વૈજ્ઞાનિકોએ, દેશની નારીશક્તિએ મોટી ભૂમિકા ભજવી છે. આ શિવશક્તિ પૉઇન્ટ આગામી પેઢીઓને પ્રેરણા આપશે કે આપણે વિજ્ઞાનનો ઉપયોગ માનવતાના કલ્યાણ માટે જ કરવાનો છે.’

૨૩ ઑગસ્ટને નૅશનલ સ્પેસ ડે તરીકે સેલિબ્રેટ કરાશે
આપણી યુવા પેઢીને સતત પ્રેરણા મળતી રહે એના માટે વધુ એક નિર્ણય લેવાયો છે. ૨૩ ઑગસ્ટે ભારતે ચન્દ્ર પર તિરંગો લહેરાવ્યો એ દિવસને હવે હિન્દુસ્તાન નૅશનલ સ્પેસ ડે તરીકે સેલિબ્રેટ કરશે.

ઇસરોએ આર્ટિફિશ્યલ મૂન બનાવ્યો હતો
વડા પ્રધાને કહ્યું હતું કે ‘ભારતના દક્ષિણ ભાગથી ચન્દ્રના દક્ષિણ ધ્રુવ સુધીની ચન્દ્રયાનની જર્ની સરળ નહોતી. લૅન્ડરનું સૉફ્ટ લૅન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે ઇસરોના રિસર્ચ સાયન્ટિસ્ટ્સે આર્ટિફિશ્યલ મૂન બનાવ્યો હતો. વિક્રમ લૅન્ડરને અલગ-અલગ સરફેસ પર ઉતારીને ટેસ્ટ્સ કરવામાં આવી હતી. આટલી બધી એક્ઝામ આપીને આપણું લૅન્ડર ચન્દ્ર પર પહોંચ્યું ત્યારે એને સફળતા તો મળવાની જ હતી.

chandrayaan 3 isro indian space research organisation narendra modi