ડીપફેક વિડિયોથી પીએમ મોદી પણ ચિંતાતુર

18 November, 2023 11:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વડા પ્રધાને ચૅટજીપીટીની ટીમને ડીપફેકની ઓળખ કરીને ઇન્ટરનેટ પર આવા વિડિયો જ્યારે સર્ક્યુલેટ થવા માંડે ત્યારે વૉર્નિંગ આપવા જણાવ્યું

નવી દિલ્હીમાં દીપાવલી મિલન કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની સાથે પીએમ નરેન્દ્ર મોદી. પી.ટી.આઇ.

નવી દિલ્હી ઃ બૉલીવુડની ફીમેલ ઍક્ટર્સના ડીપફેક વિડિયોના કારણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના મિસયુઝ પ્રત્યે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈ કાલે આ મામલે સૌને ચેતવ્યા હતા. તેમણે એને ખૂબ જ મોટી ચિંતા ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે તેમણે ચૅટજીપીટીની ટીમને ડીપફેકની ઓળખ કરીને ઇન્ટરનેટ પર આવા વિડિયો જ્યારે સર્ક્યુલેટ થવા લાગે ત્યારે વૉર્નિંગ આપવા જણાવ્યું છે. 
તેમણે કહ્યું હતું કે ‘આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના સમયમાં ટેક્નૉલૉજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે એ જરૂરી છે.’
વડા પ્રધાને ગરબા ગાતો તેમના પોતાના એક ડીપફેક વિડિયોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘મેં રિસન્ટલી એક વિડિયો જોયો હતો જેમાં હું ગરબો ગાતો જોવા મળ્યો હતો. આવા બીજા અનેક વિડિયો ઑનલાઇન છે.’
દિલ્હીમાં બીજેપીના હેડ ક્વૉર્ટર્સ ખાતે પાર્ટીના દિવાળી મિલન પ્રોગ્રામ ખાતે પત્રકારોને સંબોધતાં વડા પ્રધાને મીડિયાને આ મામલે લોકોને જાગ્રત કરવા પણ જણાવ્યું હતું. 
રિસન્ટલી ઍક્ટર રશ્મિકા મંદાના, કૅટરિના કૈફ અને કાજોલના ડીપફેક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ભારે રોષ વ્યાપી ગયા બાદ પીએમ મોદીએ આ કમેન્ટ્સ કરી છે. 
લેજન્ડરી ઍક્ટર અમિતાભ બચ્ચન સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક લોકોએ આ મામલે અવાજ ઉઠાવ્યો છે અને લીગલ ઍક્શન માટે માગણી કરી છે. 
ઇલેક્ટ્રૉનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલયે ગયા અઠવાડિયામાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સને એક ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી હતી, જેમાં ડીપફેકના કન્ટેન્ટના સંબંધમાં કાયદાકીય જોગવાઈઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં ડીપફેક કન્ટેન્ટ ક્રીએટ અને એને સર્ક્યુલેટ કરવા બદલ થતી સજા વિશે પણ જણાવાયું છે. 
કેન્દ્રીય પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે કહ્યું હતું કે ખોટી માહિતી ફેલાતી અટકાવવાની લીગલ ફરજ ઑનલાઇન પ્લૅટફૉર્મ્સની રહેલી છે.

national news narendra modi