01 October, 2024 03:49 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વિશે ફોન પર વાતચીત કરી હતી અને કહ્યું હતું કે આપણી દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી. આ મુદ્દે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વડા પ્રધાન મોદીએ શાંતિ અને સ્થિરતાની વહેલી પુન: સ્થાપના માટેના પ્રયાસોને સમર્થન આપવાની સાથે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં પ્રાદેશિક ઉગ્રતાને અટકાવવા તથા તમામ બંધકોની સુરક્ષિત મુક્તિ સુનિશ્ચિત કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
લેબૅનનમાં તબાહી જ તબાહી
છેલ્લાં બે અઠવાડિયાંથી ઇઝરાયલે લેબૅનન પર શરૂ કરેલા હુમલામાં આશરે ૧૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૬૦૦૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રવિવારે થયેલી ઍર-સ્ટ્રાઇકમાં ૧૦૫ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ગઈ કાલના હુમલામાં ૪ લોકોનાં મૃત્યુ થયાં છે. આશરે ૧૦ લાખ લોકો ઘરબારવિહોણા થયા છે.
ફ્રાન્સના ચાર નાગરિકોનાં મોત
ફ્રાન્સે ગઈ કાલે જણાવ્યું હતું કે ઇઝરાયલના હુમલામાં સાઉથ-લેબૅનનમાં ફ્રાન્સની એક મહિલા સહિત કુલ ચાર નાગરિકોનાં મૃત્યુ થયાં છે. ફ્રાન્સના વિદેશપ્રધાન જીન નોએલ બેરટ લેબૅનન પહોંચ્યા છે. ઇઝરાયલની ઍર-સ્ટ્રાઇક બાદ લેબૅનન પહોંચનારા તેઓ પ્રથમ વિદેશી ઉચ્ચ સ્તરીય નેતા છે.