Mann Ki Baat: મન કી બાતમાં PM મોદીએ દેશવાસીઓને આપી ક્વિઝ, પૂછ્યા આ ૭ પ્રશ્નો

24 April, 2022 01:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વૈદિક ગણિતની પણ કરી ચર્ચા

નરેન્દ્ર મોદી. ફાઇલ તસવીર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ `મન કી બાત`ના 88મા એપિસોડમાં સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે "દેશને `પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ` મળ્યું છે. તેને દેશના લોકો માટે ખોલી દેવામાં આવ્યું છે. આ ગર્વની વાત છે કે આપણે પીએમના યોગદાનને યાદ કરી રહ્યા છીએ, દેશના યુવાનોને તેમની સાથે જોડી રહ્યા છીએ."

પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમનો ઉલ્લેખ કરતાં તેમણે ગુરુગ્રામમાં રહેતા સાર્થકનું નામ લીધું. પીએમ મોદીએ કહ્યું કે “સાર્થક વડાપ્રધાન મ્યુઝિયમ જોવા આવ્યા હતા. તેમણે નમો એપ પર લખ્યું છે કે તે વર્ષોથી ન્યૂઝ ચેનલો જુએ છે, સોશિયલ મીડિયા સાથે પણ જોડાયેલ છે. તેમણે વિચાર્યું કે તેનું સામાન્ય જ્ઞાન ઘણું સારું છે, પરંતુ જ્યારે તેઓ પીએમ મ્યુઝિયમમાં ગયા ત્યારે તેમને ખબર પડી કે તેમને ઘણી બાબતો વિશે કંઈ જ ખબર નથી.”

પીએમ મોદીએ આગળ કહ્યું કે “સાર્થકે લખ્યું છે કે તેમને ખબર ન હતી કે મોરારજીભાઈ અગાઉ વહીવટી સેવામાં હતા. તેમણે મ્યુઝિયમમાં મહાત્મા ગાંધી, જેપી નારાયણ અને આપણા ભૂતપૂર્વ પીએમ પંડિત જવાહરલાલ નેહરુ વિશે પણ સારી માહિતી મેળવી હતી. વડાપ્રધાને કહ્યું કે આપણા દેશના લોકોમાં ઈતિહાસ વિશેની ઉત્સુકતા ઘણી વધી રહી છે. આ દરમિયાન તેમણે દેશના મ્યુઝિયમો વિશે પ્રશ્નો પૂછ્યા હતા. PM મોદીએ નમો એપ અને સોશિયલ મીડિયા પર #MuseumQuiz નો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ આપવા અપીલ કરી.

પીએમ મોદીએ પૂછ્યા આ 7 પ્રશ્નો

  1. કયા શહેરમાં રેલ મ્યુઝિયમ છે, જ્યાં લોકો 45 વર્ષથી ભારતીય રેલવેની ધરોહર નિહાળી રહ્યા છે?
  2. મુંબઈમાં કયા સંગ્રહાલયો છે, જ્યાં ચલણની ઉત્ક્રાંતિ જોવા મળે છે. છઠ્ઠી સદીના સિક્કાઓ સાથે અહીં ઈ-મની પણ હાજર છે?
  3. વિરાસત-એ-ખાલસા કયા સંગ્રહાલય સાથે સંકળાયેલું છે? પંજાબના કયા શહેરમાં આ સંગ્રહાલય છે?
  4. દેશનું એકમાત્ર પતંગ સંગ્રહાલય ક્યાં છે? અહીં રાખવામાં આવેલા સૌથી મોટા પતંગની સાઈઝ 22 બાય 16 ફૂટ છે.
  5. ભારતમાં પોસ્ટેજ સ્ટેમ્પ સંબંધિત રાષ્ટ્રીય સંગ્રહાલય ક્યાં છે?
  6. ગુલશન મહેલ નામની ઇમારતમાં કયું સંગ્રહાલય છે?
  7. એવું કયું મ્યુઝિયમ છે જે ભારતની ટેક્સટાઇલ ધરોહર જોવા મળે છે?

વૈદિક ગણિતની ચર્ચા

એક શ્લોકનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીએ ગણિત વિષય પર ચર્ચા કરી. તેમણે કહ્યું “યત કિંચિત પદાર્થ તત્ સર્વમ્, ન માથેન વિના ! અર્થ - આ દુનિયામાં જે કંઈ છે તે બધું ગણિત પર આધારિત છે.” કોલકાતાના ગૌરવ ટેકરીવાલ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે “ગૌરવ છેલ્લા અઢી દાયકાથી સમર્પણ સાથે વૈદિક ગણિતની ચળવળને આગળ ધપાવી રહ્યો છે.” તેમણે કહ્યું કે “અમે તેમાં યોગનો ઉમેરો કર્યો છે, જેથી બાળકો આંખો બંધ કરીને પણ ગણતરી કરી શકે.” પીએમ મોદીએ વધુમાં કહ્યું કે “તમામ માતા-પિતાએ તેમના બાળકોને વૈદિક ગણિત શીખવવું જોઈએ. તેનાથી તેમના મનમાં ગણિત પ્રત્યેનો ડર દૂર થશે.”

ગણાવ્યા કેશલેસ પેમેન્ટના ફાયદાઓ

કેશલેસ પેમેન્ટના ફાયદાઓ જણાવતા પીએમ મોદીએ દિલ્હીની બે બહેનો સાગરિકા અને પ્રેક્ષાનો ઉલ્લેખ કર્યો. બંનેએ દિલ્હીમાં આખો દિવસ કેશલેસ પેમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે “તેમને દિવસભર ક્યાંય પણ ડિજિટલ પેમેન્ટ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.” ગાઝિયાબાદની આનંદિતા ત્રિપાઠીની મુસાફરીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે “આનંદિતાએ તેની મુસાફરી દરમિયાન ક્યાંય રોકડ વાપરવાની જરૂર પડી નહોતી.”

national news narendra modi mann ki baat