12 January, 2023 11:13 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ગૂગલને નૅશનલ કંપની લો અપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (સીસીઆઇ) દ્વારા લગાવવામાં આવેલા ૯૩૬.૪૪ કરોડ રૂપિયાના દંડ મામલે વચગાળાની રાહત આપવાની ના પાડી હતી. સીસીઆઇએ ગૂગલને આ દંડ પ્લે સ્ટોરની નીતિઓ મામલે પોતાની દબદબાવળી સ્થિતિનો દુરુપયોગ કરવા માટે લગાવ્યો હતો. એનસીએલએટીએ ગૂગલને આગામી ચાર સપ્તાહની અંદર આ દંડની દસ ટકા રકમ જમા કરવાનો આદેશ આપ્યો હતો. હવે આગામી સુનાવણી ૧૭ એપ્રિલે થશે. ગૂગલને ચોથી જાન્યુઆરીના રોજ ૧૩૩૭ કરોડ રૂપિયાના દંડ મામલે પણ વચગાળાની રાહત મળી નહોતી, કારણ કે ગૂગલે ઍન્ડ્રૉઇડ સ્માર્ટફોન ઑપરેટિંગ સિસ્ટમને લઈને દબદબાભરેલી સ્થિતિનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. એનસીએલએટી દ્વારા ગૂગલ પર મૂકવામાં આવેલા ૧૩૩૭ કરોડ રૂપિયાના દંડ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. ગૂગલ પર ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં પ્લે સ્ટેશન મામલે ૯૩૬ કરોડ અને ઍન્ડ્રૉઇડ ડિવાઇસ મામલે ૧૩૩૬.૭૬ કરોડ એમ સીસીઆઇ દ્વારા કુલ ૨૨૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગૂગલ તરફથી હાજર રહેલા વકીલે એવી દલીલ કરી હતી કે તેણે પોતાની દબદબાભરેલી સ્થિતિનો કોઈ ગેરલાભ ઉઠાવ્યો નથી.