કોથળામાંથી બિલાડું કાઢશે કેન્દ્ર સરકાર?

18 September, 2023 08:30 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સંસદના પાંચ દિવસના સેશનમાં કયું બિલ રજૂ કરવામાં આવશે એ બાબતને લઈને વિરોધ પક્ષોને આ ડર સતાવી રહ્યો છે

ફાઇલ તસવીર

કેન્દ્ર સરકારે સંસદના પાંચ દિવસના સેશનની શરૂઆતના એક દિવસ પહેલાં ગઈ કાલે સર્વપક્ષીય મીટિંગ બોલાવી હતી. એમાં બીજેડી અને બીઆરએસ સહિત અનેક પ્રાદેશિક પાર્ટીઓએ મહિલા અનામત બિલ સંસદમાં રજૂ કરવા માટેનો આગ્રહ કર્યો હતો.

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી સંસદના આ સ્પેશ્યલ સેશનને લઈને અટકળો ચાલી રહી છે. કૉન્ગ્રેસ સહિતની પ્રાદેશિક પાર્ટીઓએ આ સ્પેશ્યલ સેશનના એજન્ડા વિશે સતત સવાલો ઉઠાવ્યા હતા. એ પછી કેન્દ્ર સરકારે સંસદના કામકાજનું કામચલાઉ લિસ્ટ રજૂ કર્યું હતું. જોકે આ લિસ્ટ કામચલાઉ છે અને વિપક્ષો સતત સવાલ કરી રહ્યા છે કે ખરેખર શું લાવવામાં આવશે. આ સેશનમાં છેલ્લાં ૭૫ વર્ષની ઇન્ડિયન ડેમોક્રસીની જર્ની પર એક નજર કરવામાં આવશે. સાથે જ આગામી ૨૫ વર્ષમાં શું કરી શકાય એના વિશે પણ ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત કેટલાંક બિલ્સ રજૂ કરવા માટે સરકાર તરફથી કોશિશ કરવામાં આવશે.  

આ સ્પેશ્યલ સેશનમાં ચન્દ્રયાન-૩ના મિશન માટે ઇસરોને જ્યારે જી-૨૦ની સક્સેસ બદલ સરકારને અભિનંદન આપતા ઠરાવ પસાર કરવામાં આવી શકે છે. સાથે જ સંસદને નવા ​પાર્લમેન્ટ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે.

જોકે તમામ લોકો માની રહ્યા છે કે સરકાર કંઈક સરપ્રાઇઝ બિલ લાવી શકે છે. સરકાર યુનિફૉર્મ સિવિલ કોડ માટેનું બિલ લાવશે એમ પણ જણાવવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે એવી શક્યતા ઓછી છે, પરંતુ આ સરકાર સરપ્રાઇઝ આપવા માટે જાણીતી છે. મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવશે એમ પણ કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સૌથી વધુ ચર્ચા એક દેશ, એક ચૂંટણીની થઈ રહી છે. જોકે એના માટેનું બિલ રજૂ કરાય એવી પણ ઓછી શક્યતા છે, કેમ કે એ માટેની સ્પેશ્યલ કમિટીની હમણાં જ રચના કરવામાં આવી છે.

supreme court indian government national news