23 January, 2023 10:28 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
નેતાજી સુભાષ ચંદ્ર બોઝ
ભારત સરકારે 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ (Netaji Subhash Chandra Bose)ની જન્મજયંતિને `પરાક્રમ દિવસ` તરીકે ઊજવવાનું નક્કી કર્યું છે. આ વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ છે. નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો. આ દિવસ નેતાજીની અદમ્ય ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેની નિઃસ્વાર્થ સેવાને માન આપવા અને યાદ કરવા માટે ઊજવવામાં આવે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને પરાક્રમ દિવસ (Parakram Diwas) તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. તો આવો જાણીએ તેનો ઈતિહાસ…
તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ રાજ્યમાં તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટી (Trinamool Congress Party)ની સરકારના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિને દેશનાયક દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 જાન્યુઆરી, 2021ના રોજ નેતાજીની જન્મજયંતિ પર પોતાના નિવેદનમાં કહ્યું હતું કે “વર્ષ 2022થી આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઊજવવામાં આવશે.”
પરાક્રમ દિવસ કેવી રીતે ઊજવવામાં આવે છે?
સામાન્ય રીતે આ દિવસે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા નાટકનું આયોજન કરવામાં આવે છે. તેમ જ કૉલેજ અને યુનિવર્સિટીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના જીવન પર આધારિત ભાષણનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે તેમના વિચારો વ્યક્ત કરે છે. આ દિવસે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝના ચાહકો પણ એક સભાનું આયોજન કરે છે અને લોકોને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા દેશના હિતમાં કરેલા કાર્યો વિશે જણાવે છે અને તેમના જીવનમાંથી પ્રેરણા લે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સોમવારે પરાક્રમ દિવસના અવસર પર મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી અને તેમના યોગદાનને યાદ કર્યું.
પીએમ મોદીએ નેતાજીને યાદ કર્યા
મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, “આજે પરાક્રમ દિવસ પર હું નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ભારતના ઇતિહાસમાં તેમના અનન્ય યોગદાનને યાદ કરું છું. તેમને સંસ્થાનવાદી શાસનનો સખત વિરોધ કરવા માટે યાદ કરવામાં આવશે. તેમના વિચારોથી પ્રેરિત થઈને, અમે તેમના ભારત માટેના વિઝનને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છીએ.”