Pankaj Udhas Death : પંકજ ઉધાસની ગઝલોં આત્મા સાથે વાત કરતી – પીએમ મોદી

26 February, 2024 06:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Pankaj Udhas Death : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઝલ ગાયક પંકજ ઉધાસ સાથે વીતેલી ક્ષણોને યાદ કરી

તસવીર સૌજન્ય : પીએમ મોદીનું ઓફિશ્યલ એક્સ અકાઉન્ટ

પ્રખ્યાત ગઝલ ગાયક પદ્મશ્રી પંકજ ઉધાસ (Pankaj Udhas)નું સોમવારે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. આ માહિતી તેમની પુત્રી નયાબે આપી હતી. પંકજ ઉધાસ ૭૨ વર્ષના હતા. પંકજ ઉધાસના નિધનની આખું જગત શોકમાં છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગ્રુહ પ્રધાન અમિત શાહ (Amit Shah)એ પંકજ ઉધાસના નિધન (Pankaj Udhas Death) પર શોક વ્યક્ત કર્યો છે.

પંકજ ઉધાસના નિધન પર અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, ‘અમે પંકજ ઉધાસ જીની ખોટ પર શોક વ્યક્ત કરીએ છીએ, જેમના ગાયકીએ લાગણીઓની શ્રેણી પહોંચાડી અને જેમની ગઝલો સીધી આત્મા સાથે વાત કરતી. તેઓ ભારતીય સંગીતના દીવાદાંડી હતા, જેમની ધૂન પેઢીઓથી આગળ વધી હતી. મને વર્ષોથી તેમની સાથેની મારી વિવિધ ક્રિયાપ્રતિક્રિયાઓ યાદ છે. તેમની વિદાયથી સંગીત જગતમાં એક ખાલીપો પડી ગયો છે જે ક્યારેય પુરી ન શકાય. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.’

પીએમ મોદીએ પંકજ ઉધાસ સાથેની તસવીરો શૅર કરી છે.

ગૃહ પ્રધાન અમિત શાહે પણ પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને એક્સ પર લખ્યું છે કે, ‘પંકજ ઉધાસજીએ તેમના મધુર અવાજથી ઘણી પેઢીઓને મંત્રમુગ્ધ કરી દીધા. તેમની ગઝલો અને ગીતો દરેક વય અને વર્ગના લોકોના હૃદયને સ્પર્શી ગયા. આજે તેમના નિધનથી સંગીતની દુનિયામાં એક વિશાળ ખાલીપો પડી ગયો છે, જે લાંબા સમય સુધી ભરવાનું મુશ્કેલ બનશે. તેઓ તેમના ગીતો અને ગઝલ દ્વારા હંમેશા આપણી વચ્ચે રહેશે. હું શોકગ્રસ્ત પરિવાર અને તેમના ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ.’

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath)એ પણ પંકજ ઉધાસના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે, ‘પ્રખ્યાત ગાયક, ‘પદ્મશ્રી’ પંકજ ઉધાસ જીનું નિધન અત્યંત દુખદ છે અને સંગીત જગતને ન પુરી શકાય તેવી ખોટ છે. ભગવાન શ્રી રામ તેમના દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના શોકગ્રસ્ત પરિવારજનો અને પ્રશંસકોને આ અપાર ખોટ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. ઓમ શાંતિ!’

નોંધનીય છે કે, પંકજ ઉધાસ એક પ્રખ્યાત ભારતીય ગઝલ ગાયક હતા જેમની ભાવપૂર્ણ પ્રસ્તુતિએ ઘણા વર્ષોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ૧૭ મે, ૧૯૫૧ના રોજ ગુજરાતમાં જન્મેલા. તેમણે નાની ઉંમરે તેમની સંગીત સફર શરૂ કરી અને ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં ખુબ લોકપ્રિય થયા હતા.

પંકજ ઉધાસના નિધનથી સહુ કોઈ દુઃખી થયા છે.

pankaj udhas narendra modi amit shah yogi adityanath celebrity death entertainment news bollywood bollywood news national news