09 November, 2024 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સારંગી ઉસ્તાદ પંડિત રામ નારાયણ
ભારતીય કળા જગતમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા સારંગી વાદક રામ નારાયણ (Pandit Ram Narayan No More)નું 96 વર્ષની વયે અવસાન થયું છે. 25 ડિસેમ્બર 1927ના રોજ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઉદયપુર નજીક આમેર ગામમાં જન્મેલા રામ નારાયણ ખૂબ જ જાણીતા સારંગી વાદક હતા. એવું કહેવાય છે કે રામ નારાયણ અને તેમના પરદાદા સગદ દાનજી બિયાવત ઉદયપુરના મહારાણાના દરબારમાં ગાયન કરતાં હતા. તેઓ પંડિત તરીકે ખૂબ જ લોકપ્રિય બન્ય. હવે જ્યારે તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે ત્યારે સમગ્ર કળા જગત શોકમાં મુકાયું છે.
Pandit Ram Narayan No More: સારંગી ઉસ્તાદ તરીકે જગવિખ્યાત થયેલા પંડિત રામ નારાયણ આજે 96 વર્ષની વયે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયાં છે. તેઓએ સારંગી ભારતીય ક્લાસિકલ કોન્સર્ટ પ્લેટફોર્મ પર એક સોલો ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે લાવવામાં તેમજ તેને વિશ્વભરમાં લોકપ્રિય બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ઑલ ઈન્ડિયા રેડિયો માટે પણ કર્યું હતું કામ
તમને જણાવી દઈએ કે તેઓએ અનેક સારંગીવાદકો અને ગાયકોના વિષયનો ગહન અભ્યાસ કર્યો હતો. તેઓ પોતે કિશોરાવસ્થામાં જ એક સફળ સંગીતકાર તરીકે ઉભરી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે તેઓએ ઑલ ઇન્ડિયા રેડિયો, લાહૌર માટે 1944માં સંગીતકાર તરીકે તેમણે કામ કર્યું. 1947માં ભારતનાં વિભાજન બાદ દિલ્હી ગયાં હતા.
જાણીતા સંતૂરવાદક સ્નેહલ મુઝુમદારે પાઠવી શ્રદ્ધાંજલિ
સંતૂરવાદક સ્નેહલ મુઝુમદાર
Pandit Ram Narayan No More: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના હાલના પ્રમુખ અને જાણીતા સંતૂરવાદક સ્નેહલ મુઝુમદારે પંડિત રામ નારાયણજી સાથેના સંસ્મરણો વાગોળતાં ગુજરાતી મિડડે ડોટ કોમને જણાવ્યું હતું કે, “ચાર વર્ષ અગાઉ મારી તેઓની સાથે મુલાકાત થઈ હતી. તેઓએ પંડિત ઓમકારજી સાથે પણ વગાડ્યું છે. તેઓએ રામપૂરના નવાબ સાથેનો રમૂજી પ્રસંગ પણ શેર કર્યો હતો. એક કલાક તેમની સાથે બહુ જ વાતો કરી હતી. તેઓ આટલા મોટા કલાકાર હોવા છતાં નિખાલસ અને તેઓ વિનોદી સ્વભાવના માલિક હતા. તેઓએ મુખ્ય રીતે તો સારંગી વાદ્યને સ્વતંત્ર વાદ્ય તરીકે અપનાવ્યું. સારંગીને આમ તો સંગત સાથે વગાડવામાં આવતું હતું, પણ તેઓએ પાછળથી આ વાદ્યને સ્વતંત્ર રીતે રજૂ કરવાનું સાહસ કર્યું, તેમાં તે ખૂબ જ સફળ રહ્યા. સારંગી વાદ્યને સ્વતંત્ર વાદ્ય તરીકે શાસ્ત્રીય મંચ પર લાવવાનો પૂરેપૂરો શ્રેય પંડિત રામ નારાયણજીને જ જાય છે.”
મિત્રો, તમને જણાવી દઈએ કે રામ નારાયણ (Pandit Ram Narayan No More)ના પુત્ર બ્રિજ નારાયણ છે, તેઓના પુત્ર હર્ષ નારાયણે પણ સારંગી વાદ્ય અપનાવ્યું છે. હર્ષ નારાયણ પણ ઉત્તમ કોટિના સંગીતકાર છે. સારંગીમાં રામ નારાયણજીએ તો ઘણા કલાકારો સાથે વગાડ્યું હતું, એટલે તમામ પ્રકારની ગાયકી તેઓએ આત્મસાત કરી હતી એવું કહી શકાય. એમાંથી તેઓએ પોતાની સ્વતંત્ર વાદન શૈલી વિકસાવી. તમને જણાવી દઈએ કે સારંગી વાદ્યમાં પણ તેઓએ અમુક ફેરફાર કર્યા હતા. તેઓએ વાદ્યમાં સ્ટીલના વાયલ (તાર) દાખલ કર્યા હતા, તેનો પૂરો શ્રેય તેઓને જાય છે. ૧૯૪૦-૫૦ આ શાસ્ત્રીય સંગીતનો સુવર્ણ કાળ રહ્યો. એ વખતે વાતાવરણ પણ એ પ્રકારનું હતું. પછી એક એવો સમય આવ્યો કે લોકોનો આ પ્રત્યે રસ ઓછો થયો, હવે ફરી લોકોને શાસ્ત્રીય સંગીત તરફ વળ્યા છે.