01 November, 2024 06:48 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
દેશનાં અમુક રાજ્યોમાં પર્યાવરણના મુદ્દે ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી એનાથી ભડકેલા બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘આ આપણા દેશનું દુર્ભાગ્ય છે કે જ્યારે પણ સનાતન હિન્દુઓનો તહેવાર આવે છે ત્યારે ષડયંત્ર રચવામાં આવે છે. હોળી અને દિવાળી પર જ્ઞાન આપવામાં આવે છે, પણ કોઈ બકરી ઈદ પર કેમ સવાલ નથી ઉઠાવતું? એક સજ્જને કહ્યું કે દિવાળી પર પ્રદૂષણ ફેલાય છે. થર્ટીફર્સ્ટની રાત્રે નવા વર્ષને આવકારવાના નામે ફટાકડા ફોડવામાં આવે છે ત્યારે આ લોકોનું જ્ઞાન ક્યાં જાય છે? ત્યારે શું પ્રદૂષણ નથી થતું? દિવાળી આવે તો પ્રદૂષણ ફેલાય, હોળીમાં પાણીનો વેડફાટ થાય તેમ જ એ ગંદું થઈ જાય. આ લોકોએ આવાં ડબલ સ્ટાન્ડર્ડ બંધ કરવાની જરૂર છે. અમે તો દિવાળી ધૂમધામથી મનાવીશું અને એના માટે મેં રસ્સી બૉમ્બ પણ ખરીદી લીધા છે.’
ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે જ્યારે પણ સનાતન હિન્દુ ધર્મના તહેવાર આવે છે ત્યારે કોઈ ને કોઈ કાનૂનના ઉલ્લંઘનની વાત કરવામાં આવે છે એમ જણાવતાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘એના પર રોક લગાવે છે અથવા તો કોઈએ કહ્યું કે દિવાળી પર દીવડા પ્રગટાવીને તેલનો વેડફાટ કરવાને બદલે આ જ પૈસાથી કોઈ ગરીબનું ભલું થઈ શક્યું હોત. જોકે આવા લોકોને મારે કહેવું છે કે આપણા દેશમાં બકરી ઈદ પણ મનાવવામાં આવે છે. એને બંધ કરાવી દો. ઈદના દિવસે જે લાખો રૂપિયાના બકરા કાપવામાં આવે છે એને બદલે એ રૂપિયા ગરીબોમાં વહેંચી દેવા જોઈએ જેથી ગરીબોનું ભલું થાય અને જીવહત્યા પણ બચી જશે.’