27 November, 2024 11:24 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પૅન કાર્ડ
કેન્દ્ર સરકારે પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN - પૅન) કાર્ડ 2.0 યોજનાને મંજૂરી આપી છે. હવે હાલના પૅન કાર્ડની જગ્યાએ આધુનિક અને QR કોડ ધરાવતું નવું પૅન કાર્ડ દરેક પૅન કાર્ડધારકને આપવામાં આવશે.
આ સંદર્ભમાં માહિતી અને પ્રસારણ ખાતાના કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે કૅબિનેટ કમિટી ઑન ઇકૉનૉમિક અફેર્સ (CCEA)ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૅન કાર્ડ 2.0 યોજનાને મંજૂરી આપી હતી.
આ યોજનાનો ઉદ્દેશ ઈ-ગવર્નન્સ સાથે પૅન કાર્ડ, TAN (ટૅક્સ ડિડક્શન ઍન્ડ કલેક્શન અકાઉન્ટ નંબર) અને TIN (ટૅક્સપેયર આઇડેન્ટિફિકેશન નંબર)ને જોડવાનો છે. આના માધ્યમથી ટૅક્સપેયર્સને આધુનિક રજિસ્ટ્રેશન સિસ્ટમથી જોડવાના છે. આ યોજના પાછળ ૧૪૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.
૭૮ કરોડ પૅન કાર્ડધારકો
દેશમાં ૭૮ કરોડ પૅન કાર્ડધારકો છે અને તેમનાં પૅન કાર્ડ અપગ્રેડ કરવામાં આવશે. તેમનો પૅન કાર્ડ નંબર બદલાશે નહીં. આ માટે પૅન કાર્ડધારકે એક પણ રૂપિયો ખર્ચ કરવાનો નથી. આ માટે ઇન્કમ-ટૅક્સ વિભાગ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને એની સમયમર્યાદાની જાણકારી આપશે અને એમાં રજિસ્ટર કરવામાં આવ્યા બાદ પૅન કાર્ડધારકને QR કોડ ધરાવતું નવું પૅન કાર્ડ મોકલી દેવામાં આવશે. આ સંદર્ભની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે.
શું છે આ યોજના?
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ હાલના બુનિયાદી ઢાંચાને વધુ આધુનિક બનાવવાનો અને ડિજિટલ યુગ તરફ લઈ જવાનો છે. પૅન કાર્ડ સાથે TAN કાર્ડ અને TINને પણ સમાવી લેવામાં આવશે. એને કારણે પૅન એક કૉમન આઇડેન્ટિટી બની જશે અને એની સાથે સંલગ્ન પ્રક્રિયાઓ સરળ રહેશે. આ સિવાય એક લક્ષ્ય એ પણ છે કે પૅનને વિશિષ્ટ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ પ્રણાલીમાં એક કૉમન આઇડેન્ટિફાયર તરીકે વિકસાવવામાં આવશે.
કોણે કરી હતી માગણી?
આ નવી પ્રણાલી લાવવાની માગણી ઉદ્યોગજગતે કરી હોવાનું અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘પૅન કાર્ડ મધ્યમ અને નાના વેપારીઓ માટે જીવનનો એક અનિવાર્ય હિસ્સો છે. પૅન 2.0 સાથે એ સિસ્ટમને વધારે અપગ્રેડ કરવામાં આવશે અને એક મજબૂત ડિજિટલ બૅકબોન તરીકે રજૂ કરવામાં આવશે. આ સિવાય સરકાર ફરિયાદ નિવારણ પ્રણાલીને પણ મજબૂત કરવા માટે કામ કરી રહી છે, જેથી નાગરિકોની ચિંતાઓનું ત્વરિત નિરાકરણ લાવી શકાય. નવું પૅન કાર્ડ કૉમન બિઝનેસ આઇડેન્ટિફાયર બને એ માટે અમે પૂરો પ્રયાસ કરીશું. આ માટે એક યુનિફાઇડ પોર્ટલ બનાવવામાં આવશે. એ સંપૂર્ણ રીતે પેપરલેસ અને ઑનલાઇન રહેશે.’
માહિતી ગુપ્ત રહેશે
જે લોકો પૅન ડેટાનો ઉપયોગ કરે છે એવી તમામ એન્ટિટીઝ માટે પૅન ડેટા વૉલ્ટ સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવશે જેથી ગ્રાહકોની આ સંદર્ભની જાણકારીને સલામત રાખવામાં આવી શકે. આ એક ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ છે જેમાં ટેક્નૉલૉજીના આધારે ટૅક્સપેયર્સની જાણકારીને રજિસ્ટર કરવામાં આવશે.
નવી યોજનાના પાંચ મોટા ફાયદા
ઝડપી ઍક્સેસ અને વધારે બહેતર સર્વિસ પૂરી પાડવી.
સુસંગત અને વિશ્વસનીય જાણકારી પૂરી પાડવી.
ઇકો-ફ્રેન્ડ્લી પ્રક્રિયા અને ખર્ચમાં ઘણો બચાવ.
વધારે સુરક્ષા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધારે ઉપયોગ.
ડિજિટલ ટ્રાન્સફૉર્મેશન, ટૅક્સપેયર્સને વધારે સુરક્ષા આપતી સર્વિસ
હાલના પૅન કાર્ડ કરતાં કેવી રીતે અલગ હશે?
નવાં પૅન કાર્ડ આપતી વખતે ટૅક્સપેયર્સની જાણકારી ટેક્નૉલૉજી આધારિત અપગ્રેડ થશે. નવી સિસ્ટમમાં ઝડપી ઍક્સેસ, સ્પીડથી સર્વિસ, એક જ સિંગલ પોર્ટલ અને સાઇબર સિક્યૉરિટીની તકેદારી રખાશે. એ પૅન કાર્ડ, TAN અને TINને જોડીને એક કૉમન બિઝનેસ આઇડેન્ટિફાયર બનશે.