કેન્દ્ર સરકારે જાહેર કર્યા ૭ પદ‌્મવિભૂષણ, ૧૯ પદ‌્મભૂષણ અને ૧૧૩ પદ્મશ્રી અવૉર્ડ

26 January, 2025 07:09 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વર્ષ ૨૦૨૫ના પદ‌્મ અવૉર્ડ‍્સની જાહેરાત ગઈ કાલે કેન્દ્ર સરકારે કરી હતી. આ સૂચિમાં અનેક ઓછા જાણીતા નાયકોનાં નામ છે.

કુમુદિની લાખિયા, સ્વ. પંકજ ઉધાસ, તુષાર શુક્લ

ગરવા ગુજરાતીઓ : કુમુદિની લાખિયાને પદ્‍મવિભૂષણ; સ્વ. પંકજ ઉધાસને પદ્‍મભૂષણ ; સ્વ. ચંદ્રકાન્ત શેઠ, ચંદ્રકાન્ત સોમપુરા, તુષાર શુક્લ, લવજી પરમાર, સુરેશ સોનીને પદ્‍મશ્રી

વર્ષ ૨૦૨૫ના પદ‌્મ અવૉર્ડ‍્સની જાહેરાત ગઈ કાલે કેન્દ્ર સરકારે કરી હતી એમાં ૭ પદ‌્મ વિભૂષણ, ૧૯ પદ‌્મ ભૂષણ અને ૧૧૩ પદ‌્મશ્રીનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. આ સૂચિમાં અનેક ઓછા જાણીતા નાયકોનાં નામ છે.  

પદ્‍મ અવૉર્ડ‍્સમાં ઘણા ગુજરાતીઓનો સમાવેશ છે. ગુજરાતનાં કથક નૃત્યાંગના કુમુદિની રજનીકાન્ત લાખિયાને આર્ટ માટે પદ્‍મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
અનેક મંદિરો સહિત અયોધ્યાના રામ મંદિરના શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરાને પદ્‍મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગઝલગાયક સ્વ. પંકજ ઉધાસને મરણોત્તર પદ્‍મભૂષણ એનાયત કરવામાં આવ્યો છે. એ જ રીતે સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે કામગીરી કરનારા સ્વ. ચંદ્રકાન્ત શેઠને પણ મરણોત્તર પદ્‍મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તુષાર દુર્ગેશભાઈ શુક્લને સાહિત્ય અને શિક્ષણ માટે પદ્‍મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સાબરકાંઠાના સુરેશ હરિલાલ સોનીએ કુષ્ઠરોગના દરદીઓની સારવારમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે તેમને પદ્‍મશ્રી એનાયત કરવામાં આવ્યા છે. તેમણે અમદાવાદ-દિલ્હી નૅશનલ હાઇવે પર રાજન્દ્રનગરમાં સહયોગ નામની સંસ્થા સ્થાપી છે.

સુરેન્દ્રનગરના લવજીભાઈ નાગજીભાઈ પરમારને ટાંગલિયા વણાટકળાના તારણહાર માનવામાં આવે છે. તેમણે ૭૦૦ વર્ષ જૂની પરંપરાગત વણાટકળાને સાચવી છે અને યુવા પેઢીઓમાં એ સચવાય એ માટે ૪૦ વર્ષનો સમયગાળો ફાળવ્યો છે. તેમને પદ્‍મશ્રી અવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

વેપાર અને ઉદ્યોગ માટે પંકજ પટેલને પદ્‍મભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

national news india padma vibhushan padma bhushan padma shri pankaj udhas gujaratis of mumbai gujarati community news indian government