26 January, 2023 12:02 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મુલાયમ સિંહ યાદવ. ફાઇલ તસવીર
દર વર્ષની જેમ આ વખતે પણ ગણતંત્ર દિવસ (Republic Day)ની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. પદ્મ પુરસ્કારો (Padma Awards) - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી - દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. ભારતના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન, યુપીના ભૂતપૂર્વ સીએમ સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા છે. મુલાયમ સિંહ યાદવનું 10 ઑક્ટોબર 2022ના રોજ મેદાંતા હૉસ્પિટલ ગુરુગ્રામમાં લાંબી માદગી બાદ અવસાન થયું. ઉપરાંત, ORS પ્રણેતા દિલીપ મહાલનાબીસને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. પદ્મ વિભૂષણ ભારત રત્ન પછી દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
6 હસ્તીઓને પદ્મ વિભૂષણ
જે 6 વ્યક્તિઓને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યા છે તેમાં બાલકૃષ્ણ દોશી (મરણોત્તર), એસએમ કૃષ્ણા, દિલીપ મહાલનાબીસ (મરણોત્તર), શ્રીનિવાસ વર્ધન અને મુલાયમ સિંહ યાદવના નામનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો સામાન્ય રીતે દર વર્ષે માર્ચ/એપ્રિલની આસપાસ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાતા ઔપચારિક કાર્યક્રમોમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે.
વર્ષ 2023 માટે, રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે. આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. પુરસ્કાર મેળવનારાઓમાં 19 મહિલાઓ છે અને યાદીમાં વિદેશી/NRI/PIO/OCIની શ્રેણીમાંથી 2 વ્યક્તિઓ અને 7 મરણોત્તર પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.
ડૉ. દિલીપ મહલનબીસે કરોડો લોકોના જીવ બચાવ્યા
પશ્ચિમ બંગાળના જાણીતા ડૉક્ટર ડૉ. દિલીપ મહાલનાબીસનું ગયા વર્ષે ઑક્ટોબરમાં નિધન થયું હતું. ડૉ. દિલીપ મહલનબીસ 87 વર્ષના હતા. ઓરલ રીહાઈડ્રેશન (ORS) ના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે જાણીતા ડૉ. દિલીપ મહાલનાબીસે પાંચ કરોડથી વધુ લોકોના જીવ બચાવ્યા હતા. આ વખતે ડૉ. દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. તેમણે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન શરણાર્થી શિબિરોમાં તેમની સેવા દ્વારા હજારો લોકોના જીવન બચાવ્યા હતા. આ ઉપરાંત ડૉ. દિલીપ મહાલનાબીસે પણ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન શરણાર્થી શિબિરોમાં તેમની સેવા દ્વારા હજારો લોકોના જીવ બચાવ્યા હતા.
આ 9 હસ્તીઓને પદ્મ ભૂષણ ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
એસ.એલ. ભૈરપ્પા (સાહિત્ય અને શિક્ષણ), કર્ણાટક
કુમાર મંગલમ બિરલા (વેપાર અને ઉદ્યોગ), મહારાષ્ટ્ર
દીપક ધર (વિજ્ઞાન અને એન્જિનિયરિંગ), મહારાષ્ટ્ર
વાણી જયરામ (કલા), તમિલનાડુ
સ્વામી ચિન્ના જેયર (અન્ય - અધ્યાત્મવાદ), તેલંગાણા
સુમન કલ્યાણપુર (કલા), મહારાષ્ટ્ર
કપિલ કપૂર (સાહિત્ય અને શિક્ષણ), દિલ્હી
સુધા મૂર્તિ (સામાજિક કાર્ય), કર્ણાટક
મલેશ ડી પટેલ (અન્ય - અધ્યાત્મવાદ), તેલંગાણા
91 હસ્તીઓને પદ્મશ્રી ઍવોર્ડ મળશે
આ ઉપરાંત નોર્થ સેન્ટીનેલથી 48 કિમી દૂર એક ટાપુમાં રહેતા જારાવા જનજાતિ સાથે કામ કરતા આંદામાનના નિવૃત્ત સરકારી ડૉક્ટર રતન ચંદ્ર કારને દવાના ક્ષેત્રમાં પદ્મશ્રી મળ્યો હતો. રતન ચંદ્ર કાર ઉપરાંત હીરાબાઈ લોબી, મુનીશ્વર ચંદર દાવરને પણ પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે. પદ્મશ્રી માટે 91 લોકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં દિગ્ગજ રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોથી માંડીને જનસેવા સાથે જોડાયેલા કલાકારો અને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે.
નાગા સામાજિક કાર્યકર્તા રામકુઇવાંગબે નુમે, કેરળના ગાંધીવાદી વીપી અપ્પુકુટ્ટન પોડુવાલ, નાગા સંગીતકાર મોઆ સુબોંગને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના 102 વર્ષીય સરિંદા ઉસ્તાદ મંગલા કાંતિ રોય, 98 વર્ષીય ઓર્ગેનિક ખેડૂત તુલા રામ ઉપ્રેતીને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.
આ પણ વાંચો: Google Doodle: ગણતંત્ર દિવસના અવસરે ગૂગલે શૅર કર્યું ભારતની છબી દર્શાવતું ડૂડલ
દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે. પુરસ્કારને સિદ્ધિના સ્તરના આધારે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. પહેલા પદ્મ વિભૂષણ, ત્યારબાદ પદ્મ ભૂષણ અને પદ્મશ્રી ઍવોર્ડ આવે છે.