10 March, 2023 07:31 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઓયોના (OYO) ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું શુક્રવારે નિધન થઈ ગયું છે. માહિતી પ્રમાણે, ગુરુગ્રામમાં એક ઊંચી ઈમારત પરથી પડવાને કારણે તેમનું મોત નીપજ્યું. ઓયોના એક પ્રવક્તાએ રિતેશ અગ્રવાલના પિતાના નિધનની પુષ્ટિ કરી છે. સાથે જ રિતેશ અગ્રવાલે પણ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમના પિતાનું નિધન થઈ ગયું છે.
20મા ફ્લોર પરથી પડવાથી થયું મોત
ડીસીપી ઈસ્ટ ગુરુગ્રામ પ્રમાણે, ઘટનાની માહિતી લગભગ એક વાગ્યે મળી. પોલીસની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો ખબર પડી કે રમેશ અગ્રવાલનું મોત 20મા માળેથી પડવાને કારણે થયું છે. તે DLF ક્રિસ્ટા સોસાઈટીમાં રહેતા હતા. પોલીસ પ્રમાણે, તે પોતાના ઘરની બાલકનીમાંથી પડી ગયા, જેને કારણે તેમનું મોત થયું.
પોલીસ પ્રમાણે અકસ્માત સમયે ઘરની અંદર દીકરો રિતેશ અગ્રવાલ, વહુ અને તેમનાં પત્ની પણ હાજર હતાં. સાત માર્ચે રિતેશ અગ્રવાલે ગીતાંશા સૂદ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ દિવસ પછી આ દુઃખદ ઘટના ઘટી.
`અમારી પ્રાઈવસીનું સન્માન કરો`
રિતેશ અગ્રવાલે કહ્યું, "ભારે હૈયે હું અને મારો પરિવાર એ જણાવવા માગે છે કે અમારા માર્ગદર્શક અને શક્તિ, મારા પિતા રમેશ અગ્રવાલનું 10 માર્ચે નિધન થયું છે. તેઓ એક આખું જીવન જીવ્યા અને દરરોજ મને અને અમારામાંથી અનેક લોકોને પ્રેરિત કર્યાં. તેમનું મૃત્યુ અમારા પરિવાર માટે એક ખૂબ જ મોટું નુકસાન છે. તેમના શબ્દો અમારા મનમાં ઊંડાણ સુધી ગૂંજશે. અમે બધાને અરજી કરીએ છીએ કે આ દુઃખની ઘડીમાં અમારી પ્રાઈવસીનું સન્માન કરો."
ગ્રાન્ડ રિસેપ્શનમાં સામેલ થયા હતા દિગ્ગજ
રિતેશ અગ્રવાલે 29 વર્ષીય ગીતાંશા સૂદ સાથે સાત માર્ચે લગ્ન કર્યાં હતાં. દિલ્હીમાં તેમણે ગ્રાન્ડ રિસેપ્શનની પાર્ટી આપી હતી, જેમાં દેશ અને વિશ્વની અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. પેટીએમના સીઈઓ વિજય શેખરથી લઈને સૉફ્ટબેન્કના પ્રમુખ માસોયોશી સોન પણ રિસેપ્શનમાં સામેલ થયા હતાં. રિતેશ અગ્રવાલ દેશના સૌથી ઓછી ઊંમરના અરબપતિઓમાંના એક છે. તેણે વર્ષ 2013માં ઓયો રૂમ્સની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો : Mumbai: `ગુમ હૈ કિસી કે પ્યાર મેં`ના ગોરેગાંવ સ્થિત સેટ પર લાગી આગ
ઝડપથી આગળ વધી હોટલ ચેઈન
ઓયો રૂમ્સ (on Your Own Room) વિશ્વની સૌથી ઝડપથી વધતી હોટલ ચેઈન છે. કંપનીના નેટવર્કની વાત કરીએ તો આ 35થી વધારે દેશોમાં 1.50 લાખથી વધારે હોટલ્સ સાથે જોડાઈને કામ કરી રહી છે. OYO લોકોને બહેતરીન સુવિધાઓની સાથે પોતાની ગમતી હોટેલ સસ્તા ભાવે બૂક કરાવવાની સુવિધા આપે છે.