મણિપુરમાં ૭૦ ટકા હથિયાર હજી મિસિંગ

27 June, 2023 11:27 AM IST  |  Imphal | Gujarati Mid-day Correspondent

ઑપરેશન પાર પાડી રહેલા સિક્યૉરિટી ફોર્સના માર્ગમાં ટોળું આવી જવાને કારણે અડચણો આવી રહી છે

મણિપુરના નાગ​રિકો માટે ન્યાય અને શાંતિની માગણી સાથે ગુવાહાટીમાં સીઆરઆઇ-એનઈઆઇ અને આસામ ક્રિશ્ચન ફોરમના મેમ્બર્સ દ્વારા પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મણિપુરમાં હજી સ્થિતિ તનાવજનક છે. અહીં સિક્યૉરિટી ફોર્સિસ દ્વારા પાર પાડવામાં આવેલાં સર્ચ ઑપરેશન્સ દરમ્યાન ૧૨ બંકરોનો નાશ કરવામાં આવ્યો હતો અને છ મોર્ટાર શેલ્સ જપ્ત કરવામાં આવ્યાં હતાં. પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે તમેંગલોંગ, ઇમ્ફાલ-પૂર્વ, બિષ્ણુપુર, કાંગપોકપી, કાકચિંગ અને ચુરાચાંદપુર જિલ્લાઓમાં છેલ્લા ૨૪ કલાકમાં બંકરોનો નાશ કરવામાં આવ્યો હતો. 
જોકે હકીકત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં ઉગ્રવાદી તત્ત્વો પાસેથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં કે મેળવવામાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી, જેનાથી ​કેન્દ્રીય એજન્સીઓને શંકા છે કે હથિયારો અને વિસ્ફોટક સામગ્રી કદાચ જુદાં-જુદાં ગ્રુપમાં વહેંચાઈ ગઈ હશે અને એને રિકવર કરવી હવે લગભગ અશક્ય છે. 
સોર્સિસે જણાવ્યું છે કે સ્થિતિ વણસી રહી નથી. જોકે ઑપરેશન્સ કરતી વખતે ફોર્સિસ ફસાઈ જાય છે. વળી હજી ૭૦ ટકાથી વધારે હથિયારો મિસિંગ છે અને એને રિકવર કરવાના ચાન્સિસ દિવસે-દિવસે ઘટી રહ્યા છે. 
મણિપુર સરકારના એક ટોચના અધિકારીએ પોતાનું નામ ન જાહેર કરવાની શરતે એક ન્યુઝ ચૅનલને જણાવ્યું હતું કે ‘મિસિંગ કે ઉગ્રવાદીઓએ લૂટેલાં હથિયારોને પાછા મેળવવાના બે જ માર્ગ છે. એક તો લોકો જ સામેથી હથિયારો પાછાં આપી દે કે ફોર્સિસ ઑપરેશન્સ પાર પાડીને એને રિકવર કરે. હથિયારો રિકવર થઈ રહ્યાં છે, પરંતુ એ સંખ્યા ઘણી ઓછી છે. ગૃહપ્રધાન અમિત શાહે જ્યારે હથિયારો પાછાં સોંપવાની અપીલ કરી હતી ત્યારે નોંધપાત્ર સંખ્યામાં હથિયારો પાછાં આપવામાં આવ્યાં હતાં.’
આર્મી, આસામ રાઇફલ્સ અને સીઆરપીએફ માટે આ હથિયારોને પાછાં મેળવવામાં મુશ્કેલી એ છે કે તેઓ ઑપરેશન પાર પાડે ત્યારે ૫૦૦થી ૨૦૦૦ લોકોનું ટોળું વચ્ચે આવી જાય છે. 

1100
મણિપુરમાં વંશીય હિંસાની શરૂઆત થઈ ત્યારથી આટલાં હથિયારોને રિકવર કરવામાં આવ્યાં છે.
250
મણિપુરમાં આટલા બૉમ્બ પણ રિકવર કરાયા છે. 

અમિત શાહે મોદીને મણિપુરની સ્થિતિથી વાકેફ કર્યા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મણિપુરની અત્યારની સ્થિતિથી ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વાકેફ કર્યા હતા, જેના એક દિવસ પહેલાં મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે આ રાજ્યની અત્યારે સર્જાઈ રહેલી સ્થિતિથી અમિત શાહને વાકેફ કર્યા હતા.

manipur indian army imphal national news