23 January, 2025 09:44 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
કુંભ મેળામાં આવેલી હોસ્પિટલ
મહાકુંભમાં ભાગ લેવા આવેલા ૧૦૦ જેટલા ભાવિકોને હાર્ટ-અટૅક આવતાં તેમને તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ૧૮૩ ક્રિટિકલ દરદીઓને ઇન્ટેન્સિવ કૅર યુનિટ
(ICU)માં સારવાર આપવામાં આવી છે. આશરે ૫૮૦ દરદીઓ પર નાનકડી સર્જરી પણ કરવામાં આવી હતી. મહાકુંભમાં ૧,૭૦,૭૨૭ બ્લડ-ટેસ્ટ કરવામાં આવી છે અને ૧,૦૦,૯૯૮ લોકોએ આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ (OPD) સુવિધાનો ઉપયોગ કર્યો છે. આ આંકડા ગઈ કાલે જાહેર કરવામાં આવ્યા હતા.
મહાકુંભમાં આધુનિક સુવિધા અને ઉપકરણો સાથેની સેન્ટ્રલ હૉસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, જેમાં મહાકુંભમાં આવનારા લાખો ભાવિકોને સારવાર આપવાની સુવિધા ઉપલબ્ધ છે.
આ સેન્ટ્રલ હૉસ્પિટલમાં જનરલ મેડિસિન, ડેન્ટલ સર્જરી, હાડકાંના ડૉક્ટર, ગાયનેકોલૉજિસ્ટ અને બાળ રોગ નિષ્ણાતો પણ સારવાર આપવા ઉપલબ્ધ છે. એમાં ૧૦ ICU બેડ છે. દરદીઓ પર નજર રાખવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી સજ્જ કૅમેરા લગાવવામાં આવ્યા છે.