હિન્દુ એકતા પદયાત્રામાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સાફ વાત

28 November, 2024 06:56 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

૧૦૦ કરોડમાંથી માત્ર ૧ કરોડ હિન્દુ કટ્ટર બને તો સનાતન ધર્મને ૧૦૦૦ વર્ષ સુધી કંઈ નહીં થાય

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિન્દુ એકતા પદયાત્રામાં લોકોને સંબોધતાં કહ્યું હતું કે ‘જો ૧૦૦ કરોડ હિન્દુઓમાંથી માત્ર ૧ કરોડ હિન્દુઓ કટ્ટર બની જાય તો સનાતન ધર્મ પર ૧૦૦૦ વર્ષ સુધી કોઈ આંગળી ઉઠાવી નહીં શકે. નહીંતર લવ જેહાદ અને લૅન્ડ જેહાદ થવાનું નક્કી છે. તમારી બહેન અને બેટીઓને લવ જેહાદથી કોઈ બચાવી શકે એમ નથી. લવ જેહાદને તો અધિકારી, પ્રશાસન, ઍક્ટર કે નેતા પણ રોકી શકશે નહીં. આથી હજી સમય છે કે તમામ લોકો પોતાના ધર્મ પ્રત્યે કટ્ટર બની જાય. તમારાં ઘરો પર પથ્થર ફેંકવામાં આવશે ત્યારે તમને સમજમાં આવશે કે ધીરેન્દ્ર શાસ્ત્રી સાચું બોલી રહ્યા હતા.’

હિન્દુઓને એકજૂટ કરવા માટે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિન્દુ એકતા પદયાત્રા કાઢી છે જેમાં લાખો હિન્દુઓ જોડાઈ રહ્યા છે. મધ્ય પ્રદેશના છતરપુરથી નીકળેલી ૧૬૦ કિલોમીટરની આ પદયાત્રા ૨૯ નવેમ્બરે મધ્ય પ્રદેશના ઓરછામાં પૂરી થશે. તેમનો ઉદ્દેશ હિન્દુઓને જાગૃત કરવાનો અને છૂતઅછૂત અને જાતિવાદના ભેદભાવને મિટાવવાનો છે.

 ૧૦૦ કરોડમાંથી મને એક કરોડ કટ્ટર હિન્દુઓ જોઈએ છે, જેઓ રસ્તા પર ઊતરીને પોતાની વાત રજૂ કરી શકે, જેઓ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારને બચાવવા માટે લોકોને જાગૃત કરી શકે. એકલું બાગેશ્વર ધામ આ દેશમાં છૂતઅછૂત, જાતિવાદ અને ઊંચ-નીચના ભેદભાવને મિટાવી નહીં શકે.’

national news india hinduism madhya pradesh sanatan sanstha