થાણેની વિકરાળ આગને ઓલવતાં લાગ્યા ૧૭ કલાક

20 April, 2023 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓરાયન બિઝનેસ પાર્ક અને સિને વન્ડરમાં લાગેલી આગમાં ૨૫ ગાળા, ત્રણ કાર અને ૨૩ ટૂ-વ્હીલર બળીને ખાખ : ટીએમસી, બીએમસી, ભિવંડી-નિઝામપુર, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાઈંદર અને નવી મુંબઈથી ફાયર એન્જિન મગાવવાં પડ્યાં

થાણેની વિકરાળ આગ

થાણે-ઘોડબંદર રોડ પર કાપુરબાવડી જંક્શન પર આવેલા ઓરાયન બિઝનેસ પાર્ક અને એને અડીને આવેલા સિને વન્ડર મૉલમાં મંગળવારે રાતે ૮.૩૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ આગ બહુ જ ઝડપથી ફેલાઈ હતી અને એણે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. જોકે આગ લાગ્યાની જાણ થતાં જ બંને ઇમારતોમાંની ઑફિસો, કમર્શિયલ ગાળા અને મૉલમાંથી લોકોને સુર​િક્ષત બહાર કાઢી લેવાયા હતા. આગમાં કોઈ જાનહાનિના કે જખમી થવાના અહેવાલ નથી, પણ આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધિકારી અવિનાશ સાવંતે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મૂળમાં આગ ઓરાયન બિઝનેસ પાર્કના પાછળના ભાગમાં આવેલા સ્ટેક પાર્કિંગમાં લાગી હતી. ત્રણ માળનું સ્ટેક પાર્કિંગ હતું અને ત્યાર બાદ એ આગ ત્રીજા, ચોથા અને પાંચમા માળે પ્રસરી હતી. આગ લાગ્યા બાદ એમાંથી સળગતા ઊડેલા ગ્લાસવુલને કારણે ઓરાયનની બાજુમાં આવેલા સિને વન્ડર મૉલમાં પણ આગ લાગી. જોકે અમારા જવાનોએ સાવચેતી બતાવી સિને વન્ડરમાં લાગેલી આગ પર વહેલી તકે પાણીનો મારો ચલાવીને એને આગળ વધતાં અટકાવી દીધી હતી એટલે એમાં નુકસાન ઓછું થયું હતું. આગ લાગ્યાની જાણ થતાં જ થાણે મહાનગરપાલિકાનાં જ સાત ફાયર એન્જિન, બે રેસ્ક્યુ વેહિકલ, આઠ વૉટર ટૅન્કર, ત્રણ જમ્બો ટૅન્કર, ચાર પ્રાઇવેટ વૉટર ટૅન્કર, જેસીબી અને અન્ય વાહનોનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આગનો વ્યાપ વધી રહ્યો હતો અને પાંચમા માળે એક પછી એક ગાળામાં એ ફેલાઈ રહી હતી. એથી અમે અન્ય મહાનગરપાલિકાઓને પણ એમનાં ફાયર એન્જિન મોકલવાની અરજ કરી હતી. એથી ટીએમસી, બીએમસી, ભિવંડી-નિઝામપુર, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાઈંદર અને નવી મુંબઈથી ફાયર એન્જિન અને અન્ય રેસ્ક્યુ વાહનો મદદે આવ્યાં હતાં. મંગળવારે રાતે ૮.૩૦ વાગ્યે લાગેલી આગ પર બુધવારે પરોઢિયે કાબૂ મેળવી લેવાયો હતો, પણ કૂલિંગ ઑપરેશન બપોરના ૧.૩૦ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવ્યું હતું. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ જખમી થયું નથી, પણ બહુ મોટુ નુકસાન થયું છે. ત્રીજા, ચોથા અને પાંચમા માળના કુલ મળીને ૨૫ ગાળા, ત્રણ કાર અને ૨૩ જેટલાં ટૂ-વ્હીલર આ આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. ’

આગ લાગ્યા બાદ ટીએમસી, થાણે પોલીસ અને ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા. વળી એ સ્પૉટ કાપુરબાવડી જંક્શનની પાસે જ હોવાથી ત્યાં સતત ટ્રાફિકની અવરજવર રહેતી હોવાથી એને મૅનેજ કરવામાં સખત મહેનત કરવી પડી હતી. 

mumbai mumbai news thane