03 February, 2023 10:38 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે અત્યારે ચાલી રહેલા બજેટ સેશન દરમ્યાન સંસદભવનમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય સંસદસભ્યો.
નવી દિલ્હીઃ સંસદનાં બંને ગૃહોમાં ગઈ કાલે અદાણી ગ્રુપ વિરુદ્ધના ફ્રૉડના આરોપોના મુદ્દે હંગામો મચ્યો હતો. આ મુદ્દે ચર્ચા તેમ જ આ આરોપોની તપાસ કરાવવાની માગણીને લઈને વિપક્ષોના હલ્લાબોલના કારણે સંસદનાં બંને ગૃહોને મોકૂફ રાખવામાં આવ્યાં હતાં. નોંધપાત્ર છે કે અદાણીના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવા માટે લગભગ તમામ વિપક્ષોએ એકબીજા સાથેના મતભેદો ભુલાવ્યા હતા.
અમેરિકન ગ્રુપ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા ફ્રૉડના દાવાના પગલે અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટૉક્સમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આ વિપક્ષોએ એનાથી ભારતીય રોકાણકારોને જોખમ પર ચર્ચા કરવાની માગણી કરી હતી. તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી કમિટી કે સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવવાની પણ માગણી કરી હતી.
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આ વિનંતીને ફગાવી દીધી હતી. તેમણે સભ્યોને ‘પાયાવિહોણા દાવા’ ન કરવા જણાવ્યું હતું જ્યારે રાજ્યસભામાં અધ્યક્ષ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિપક્ષોના તમામ પ્રસ્તાવોને ફગાવી દીધા હતા. રોષે ભરાયેલા સભ્યો સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
ગયા અઠવાડિયામાં ફ્રૉડના આરોપો મૂકવામાં આવ્યા ત્યારથી ગૌતમ અદાણીના પોર્ટ્સથી એનર્જી સુધીના બિઝનેસ સામ્રાજ્યે ૧૦૦ અબજ ડૉલર (૮૨૨૨ અબજ રૂપિયા) ગુમાવ્યા છે. વળી આ ગ્રુપમાં એલઆઇસી અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું પણ ઇન્વેસ્ટમેન્ટ છે.
આ પણ વાંચો: પીએમ કૅર્સ સરકારી ફન્ડ નથી
અત્યારે ચાલી રહેલા બજેટ સેશન દરમ્યાન કેન્દ્ર સરકારને ઘેરી લેવા માટેની સંયુક્ત વ્યૂહરચના ઘડવા માટે ગઈ કાલે સવારે અનેક વિપક્ષી નેતાઓ મળ્યા હતા. નવ પાર્ટીઓએ સંસદમાં અદાણી ગ્રુપના સ્ટૉક્સમાં ઘટાડા વિશે ચર્ચા કરવા માટે નોટિસ ફાઇલ કરી હતી.
રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં યોજાયેલી મીટિંગમાં તૃણમૂલ કૉન્ગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જનતા દલ-યુનાઇટેડ અને ડાબેરી પાર્ટીઓ
સહિત ડઝનેક પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધપાત્ર છે કે આ પૉલિટિકલ પાર્ટીઓની વચ્ચે પણ તાજેતરમાં કેટલાક મતભેદો જોવા મળ્યા છે, પરંતુ અદાણીના મુદ્દે સરકારને ઘેરવા માટે વિપક્ષો એકસાથે આવ્યા છે.
લોકોના હિતને ધ્યાનમાં રાખીને અમે ઇચ્છીએ છીએ કે અદાણીના મુદ્દાની સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી કમિટી કે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ કરાવાય. આ મુદ્દે તપાસનું રોજેરોજનું રિપોર્ટિંગ પણ થવું જોઈએ. - મલ્લિકાર્જુન ખડગે, રાજ્યસભામાં વિપક્ષ નેતા