24 June, 2023 09:30 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
પટનામાં ગઈ કાલે વિપક્ષોની મીટિંગ દરમ્યાન કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર તેમ જ આરજેડીના ચીફ લાલુ પ્રસાદ. તસવીર પી.ટી.આઇ.
વિપક્ષોના ટોચના નેતાઓએ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલાં બીજેપી વિરોધી મોરચાની રચના કરવા માટે એક રોડમૅપ તૈયાર કરવા માટે ગઈ કાલે ચર્ચાવિચારણા કરી હતી. વિપક્ષોના ૧૭ નેતાઓ આ ગ્રૅન્ડ મીટિંગમાં હાજર રહ્યા હતા, જેનું આયોજન બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ દ્વારા પટનામાં કરવામાં આવ્યું હતું. ચાર કલાક ચાલેલી આ મીટિંગ બાદ તરત જ નીતીશે જણાવ્યું હતું કે તમામ પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડવા માટે સંમત છે, પરંતુ વિગતો નક્કી કરવા માટે આવતા મહિને હિમાચલ પ્રદેશના શિમલામાં વધુ એક મીટિંગ થશે.
આ મીટિંગમાં કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બૅનરજી, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, તામિલનાડુના એમ. કે. સ્ટૅલિન, ઝારખંડના હેમંત સોરેન, સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેમ જ એનસીપીના અધ્યક્ષ શરદ પવાર આ મીટિંગમાં હાજર રહ્યા હતા.
આ મીટિંગ બાદ જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં કેજરીવાલ અને સ્ટૅલિન હાજર નહોતા. જોકે કુમારે દાવો કર્યો હતો કે તેમણે તેમની ફ્લાઇટમાં પાછા જવાનું હોવાના કારણે તેઓ જતા રહ્યા હતા.
આ મીટિંગ દરમ્યાન કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે તનાવની સ્થિતિ સરજાઈ હતી. આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસિસ પર કન્ટ્રોલ બાબતે કેન્દ્ર સરકારના વટહુકમ બાબતે કૉન્ગ્રેસનું સ્ટૅન્ડ કયું છે એના વિશે સવાલ કર્યો ત્યારે કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આમ આદમી પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા કક્કરે મૂકેલા આરોપનો મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રિયંકાએ આરોપ મૂક્યો હતો કે બીજેપી સાથેની ડીલના કારણે કૉન્ગ્રેસ સ્ટૅન્ડ લેતી નથી.
બીજી તરફ મમતા બૅનરજી પશ્ચિમ બંગાળમાં કૉન્ગ્રેસના વર્તાવથી નારાજ છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે વિપક્ષો અંદરોઅંદર લડશે તો બીજેપીને જ ફાયદો થશે.
આ બેઠક દરમ્યાન ઓમર અબદુલ્લાએ કેજરીવાલ માટે મુશ્કેલ સ્થિતિ સરજી હતી. કેજરીવાલે જેવી વટહુકમની વાત કરી કે તરત જ ઓમર અબદુલ્લાએ કહ્યું કે જ્યારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી ત્યારે તો તમારી પાર્ટીએ અમને સપોર્ટ નહોતો આપ્યો.
આમ આદમી પાર્ટી અને કૉન્ગ્રેસ વચ્ચેના મુદ્દે હસ્તક્ષેપ કરતાં શરદ પવારે એનસીપી અને ઉદ્ધવ ઠાકરેનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘અમે ૨૫ વર્ષથી એકબીજાની ટીકા કરી રહ્યા હતા, પરંતુ અમે દરેક મતભેદને બાજુ પર રાખ્યો હતો અને હવે અમે એકસાથે કામ કરી રહ્યા છીએ.’
ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું કે હવે મતભેદ ભુલાવીને સાથે આવવાનો સમય આવી ગયો છે.
લાલુએ રાહુલને કહ્યું, મૅરેજ કરો, વાત માનો
આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે મૅરેજ કરવા માટે ના પાડવા બદલ એક વડીલની માફક કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગઈ કાલે ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે ‘મેરેજ કરી લેવાં જોઈતાં હતાં. હજી પણ સમય વીતી નથી ગયો. મૅરેજ કરો. અમે વરઘોડામાં આવીશું. મૅરેજ કરો, વાત માનો. તમારી મમ્મી કહેતાં હતાં કે વાત માનતો નથી, મૅરેજ કરાવો. તમે મૅરેજ માટે ના પાડો છો ત્યારે એને લીધે તમારી મમ્મીને ચિંતા થાય છે.’ લાલુપ્રસાદ બોલતા હતા ત્યારે તેમની નજીક બેઠેલા રાહુલ ગાંધી થોડી શરમ સાથે સ્માઇલ કરતા હતા.
અમારા મતભેદો હોઈ શકે છે, પરંતુ અમે અમારી વિચારધારાના રક્ષણ માટે ફ્લેક્સિબિલિટી રાખીને સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો છે. આ એક પ્રક્રિયા છે અને અમે એના પર આગળ વધતા રહીશું. આ વૈચારિક લડાઈ છે.
આમ આદમી પાર્ટીએ કૉન્ગ્રેસની ટીકા કરી
આમ આદમી પાર્ટીએ એક સ્ટેટમેન્ટ ઇશ્યુ કરીને કૉન્ગ્રેસની ટીકા કરી હતી. આ સ્ટેટમેન્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ‘કૉન્ગ્રેસ લગભગ તમામ મુદ્દા પર સ્ટૅન્ડ લે છે, પરંતુ હજી સુધી
કાળા વટહુકમ પર એનું સ્ટૅન્ડ જાહેર કર્યું નથી. કૉન્ગ્રેસના મૌનથી એના ખરા ઇરાદા વિશે શંકા જાગે છે.’
અમિત શાહ કેન્દ્રીય ગૃહપ્રધાન
પટનામાં એક ફોટો-સેશન ચાલ્યું. વિપક્ષના તમામ નેતા એક મંચ પર આવ્યા. તેઓ મેસેજ આપવા ઇચ્છે છે કે અમે બીજેપી અને પીએમ મોદીને પડકાર આપીશું. વિપક્ષ ગમે એટલી વખત એક હોવાનો ઢોંગ કરે, પરંતુ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ૩૦૦થી વધારે સીટ સાથે પીએમ મોદી ફરી વડા પ્રધાન બનશે એ નક્કી છે.