13 March, 2023 11:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : કેન્દ્ર સરકારે સજાતીય લગ્નોને કાયદાકીય માન્યતા માટેની માગણી કરતી અરજીઓનો સુપ્રીમ કોર્ટમાં વિરોધ કર્યો હતો. સરકારે જણાવ્યું હતું કે એનાથી સ્વીકાર્ય સામાજિક મૂલ્યો અને પર્સનલ લૉ વચ્ચેનું નાજુક સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ જશે. કેન્દ્ર સરકારે અદાલતને જણાવ્યું છે કે સજાતીય સંબંધોમાં રહેતા લોકો સ્વૈચ્છાએ સાથે રહે તો એ અપરાધ નથી, પરંતુ અરજી કરનારાઓ દેશના કાયદા હેઠળ સજાતીય લગ્નને માન્યતા મળે એ તેમનો બંધારણીય અધિકાર હોવાનો દાવો ન કરી શકે.
સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે રજૂ કરવામાં આવેલા ઍફિડેવિટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે એક જ જાતિની બે વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન કોઈ પણ પર્સનલ લૉ કે કોઈ પણ કાયદામાં સ્વીકાર્ય કે માન્ય નથી. સુપ્રીમ કોર્ટ આજે આ મામલે સુનાવણી કરશે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે શરૂઆતથી જ લગ્નનો ખ્યાલ ચોક્કસ જ અપોઝિટ સેક્સની બે વ્યક્તિ વચ્ચેના એક મિલનને માને છે. આ વ્યાખ્યા સામાજિક, સાંસ્કૃતિક અને કાયદાકીય રીતે લગ્નના આઇડિયા અને કન્સેપ્ટમાં સામેલ છે અને એને વિવાદાસ્પદ જોગવાઈઓ દ્વારા ડિસ્ટર્બ ન કરવી જોઈએ.
પોતાના ૫૬ પેજના ઍફિડેવિટમાં સરકારે જણાવ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટે પોતાના અનેક નિર્ણયોમાં વ્યક્તિગત સ્વતંત્રતાની વ્યાખ્યા સ્પષ્ટ કરી છે. આ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને પણ આ અરજીઓને ફગાવી દેવી જોઈએ, કેમ કે એમાં સુનાવણી કરવા યોગ્ય હકીકત નથી. મેરિટના આધારે એને ફગાવી દેવી જ યોગ્ય છે. કાયદા અનુસાર સજાતીય લગ્નને માન્યતા ન આપી શકાય, કેમ કે એમાં પતિ અને પત્નીની વ્યાખ્યા બાયોલૉજિકલી આપવામાં આવી છે. એ મુજબ જ બન્નેને કાયદાકીય અધિકારો પણ છે. સજાતીય લગ્નમાં વિવાદની સ્થિતિમાં પતિ અને પત્નીને કેવી રીતે અલગ-અલગ માની શકાય?’
આ દેશોમાં સજાતીય લગ્ન લીગલ છે
દુનિયાભરમાં ૩૦થી વધુ દેશોમાં સજાતીય સંબંધો લીગલ છે. જોકે એ મોટા ભાગે પશ્ચિમી યુરોપ અને અમેરિકન દેશોમાં લીગલ છે, જેમ કે આર્જેન્ટિના, બ્રાઝિલ, ડેન્માર્ક, જર્મની, બ્રિટન અને અમેરિકામાં સજાતીય લગ્નો લીગલ છે. એશિયામાં માત્ર તાઇવાનમાં જ સજાતીય સંબંધોને મંજૂરી છે.