28 April, 2023 01:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ગઈ કાલે મુંબઈ માટે રવાના થતાં પહેલાં ભારતીય નાગરિકો અને તેમની સાથે રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી. મુરલીધરન. આ ભારતીયોને યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
ઇન્ડિયન ઍરફોર્સનું સી-17 ગ્લોબમાસ્ટર હેવી લિફ્ટ ઍરક્રાફ્ટ વધુ ૨૪૬ ભારતીયોને સાઉદી અરેબિયાના જેદ્દાહથી ભારત લાવ્યું છે. આ લોકોને યુદ્ધગ્રસ્ત સુદાનના ખાર્ટુમ પ્રદેશમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
સુદાનના જુદા-જુદા ભાગમાં રહેલા ભારતીયોને બસમાં પોર્ટ સુદાનમાં લાવવામાં આવી રહ્યા છે અને ત્યાંથી નેવીના યુદ્ધજહાજમાં જેદ્દાહ લઈ જવાઈ રહ્યા છે.
સુદાનથી સુરક્ષિત સ્થાને પહોંચ્યા બાદ લોકોએ રાજ્યકક્ષાના વિદેશપ્રધાન વી. મુરલીધરનની હાજરીમાં ‘ભારત માતા કી જય’, ‘ઇન્ડિયન નેવી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
જેદ્દાહથી મુંબઈ માટેના હેવી લિફ્ટ ઍરક્રાફ્ટમાં સવાર એક ભારતીયે ભારત સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેણે જણાવ્યું હતું કે ‘અમે જેદ્દાહ પહોંચ્યા હતા. આપણા જવાનો રિયલ હીરો છે. તેમણે અમને સંપૂર્ણપણે હૉસ્પિટલિટી અને સર્વિસ પૂરી પાડી હતી.’
સવાલ એ છે કે આ યુદ્ધગ્રસ્ત દેશમાં ભારતીયો શું કરતા હતા? સુદાનમાં મોટા ભાગના ભારતીયો મહત્ત્વનાં સેક્ટર્સમાં પ્રોફેશનલ્સ તરીકે કામ કરતા હતા, જેમાંથી કેટલાક સંયુક્ત રાષ્ટ્રના મિશન્સ તેમ જ અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો માટે કામ કરતા હતા. અત્યારે ઓનએનજીસી વિદેશ લિમિટેડ, ભેલ, પ્રોગ્રેસિવ કન્સ્ટ્રક્શન લિમિટેડ સહિત અનેક ભારતીય કંપનીઓ સુદાનમાં કામ કરી રહી છે. સુદાનમાં અનેક ભારતીય હૉસ્પિટલો પણ છે.
કર્ણાટકમાં હક્કી-પિક્કી જનજાતિના લોકો અહીં હર્બલ મેડિસિન પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.
સુદાનના ભૂતપૂર્વ ભારતીય ઍમ્બૅસૅડર દીપક વોહરાએ કહ્યું કે ૨૦૦૫થી ૨૦૧૦ના સમયગાળા દરમ્યાન અનેક ભારતીયોને દુબઈ લઈ જવાની લાલચ આપીને સુદાન લાવવામાં આવતા હતા.
૨૦૦૦ જેટલા ભારતીયોને સુરક્ષિત સ્થાને પહોંચાડાયા
વિદેશસચિવ વિનય કવાત્રાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ‘સુદાનમાં સુરક્ષાની સ્થિતિ ખૂબ જટિલ છે અને ત્યાં ખૂબ અરાજકતા છે. ભારતનો હેતુ એ દેશમાં ફસાયેલા દરેક ભારતીયને એ જોખમી ભૂમિમાંથી બહાર કાઢવાનો છે.’ ઑપરેશન કાવેરીની વિગતો આપતાં કવાત્રાએ જણાવ્યું હતું કે લગભગ ૧૭૦૦થી ૨૦૦૦ ભારતીય નાગરિકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થાનોએ પહોંચાડવામાં આવ્યા છે, જેમાં રાજધાની ખાર્ટુમથી પોર્ટ સુદાન જઈ રહેલા લોકો પણ સામેલ છે.