26 April, 2023 01:12 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગઈ કાલે આઇએનએસ સુમેધા જહાજમાં પ્રવેશવા માટે લાઇનમાં ઊભેલા ભારતીયોના કેટલાક ફોટો ટ્વિટર પર શૅર કર્યા હતા
સુદાનમાં ફસાયેલા ભારતીયોનું પહેલું ગ્રુપ આ યુદ્ધગ્રસ્ત દેશ છોડીને ઇન્ડિયન નેવીની વૉરશિપમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં જવા રવાના થયું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગઈ કાલે આઇએનએસ સુમેધા જહાજમાં પ્રવેશવા માટે લાઇનમાં ઊભેલા ભારતીયોના કેટલાક ફોટો ટ્વિટર પર શૅર કર્યા હતા. અત્યંત હિંસા અને મોતના ખતરાના માહોલમાંથી બહાર કાઢવા માટે ભારત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે કેટલાકે રાષ્ટ્રીય ધ્વજ પણ રજૂ કર્યો હતો.
બાગચીએ ટ્વીટ કર્યું હતું કે ‘ફસાયેલા ભારતીયોનો પહેનો બૅચ ઑપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી રવાના થયો છે. ૨૭૮ લોકોને લઈને આઇએનએસ સુમેધા જહાજ જેદ્દાહ જવા માટે પોર્ટ સુદાનમાંથી રવાના થયું છે.’
સુદાનમાંથી જે ભારતીયોને બચાવવામાં આવ્યા છે એ ગ્રુપમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. સુદાનમાં આર્મી અને એક પૅરામિલિટરી ગ્રુપની વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે.
ભારતે ઑપરેશન કાવેરીના ભાગરૂપે જેદ્દાહમાં બે ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટને રેડી પોઝિશનમાં રાખ્યાં હતાં અને આઇએનએસ સુમેધાને પણ પોર્ટ સુદાનમાં મોકલ્યું હતું. સમગ્ર સુદાનમાં ૩૦૦૦ ભારતીયો છે.
આ પણ વાંચો : યુક્રેન યુદ્ધની અસર, સમગ્ર વિશ્વમાં સૈન્યના ખર્ચમાં સૌથી મોટો વધારો
ગયા અઠવાડિયામાં શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુદાનમાંથી ભારતીયોને સુરિક્ષત સ્થાનોએ લઈ જવા માટે એક ઇમર્જન્સી પ્લાન તૈયાર કરવા અધિકારીઓને જણાવ્યું હતું. અમેરિકાએ સુદાનમાં લડાઈ લડી રહેલા જનરલ્સની વચ્ચે ૭૨ કલાક માટે યુદ્ધવિરામ માટે કરાર કરાવ્યો હોવા છતાં ખારટૂમની કેટલીક જગ્યાઓએ ગોળીબાર થયા હતા.
જોકે જુદા-જુદા દેશોની સરકારોએ પોતાના નાગરિકોને સુદાનમાંથી સુરક્ષિત રીતે બહાર લઈ જવા માટે વાહનો, વિમાનો તેમ જ જહાજો તહેનાત કર્યાં છે ત્યારે બાકીના ભાગમાં લડાઈની તીવ્રતામાં ઘટાડો થયો છે.
દસ દિવસ સુધી ભીષણ લડાઈમાં હવાઈહુમલા પણ થયા હતા, જેમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં હતાં.