16 March, 2025 10:59 AM IST | Amaravati | Gujarati Mid-day Correspondent
અભ્યાસમાં કમજોર બે પુત્રોને મોતને ઘાટ ઉતારીને પિતાએ કરી આત્મહત્યા
આંધ્ર પ્રદેશમાં કાકીનાડા જિલ્લામાં શુક્રવારે સવારે ૧૦ વાગ્યે એક દર્દનાક ઘટના બની હતી. ઑઇલ ઍન્ડ નૅચરલ ગૅસ કમિશન લિમિટેડ (ONGC)માં કામ કરતા ૩૭ વર્ષના વી. ચંદ્ર કિશોરે અભ્યાસમાં કમજોર એવા પોતાના બે સગીર પુત્રોની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. મૃત બાળકોમાં આઠ વર્ષના હર્ષવર્ધન અને પાંચ વર્ષના વિવેકનો સમાવેશ છે. ચંદ્ર કિશોરે આ બેઉ બાળકોના સ્કૂલમાં ખરાબ દેખાવના પગલે આ ઘાતક પગલું ભર્યું હતું. પોલીસને તેની સુસાઇડ-નોટ મળી આવી છે.
આ સંદર્ભમાં પોલીસે જણાવ્યું હતું કે ચંદ્ર કિશોર તેનાં બાળકોના અભ્યાસને લઈને વધારે પડતો ચિંતિત હતો. તેને ડર હતો કે જો તેઓ અભ્યાસ બરાબર નહીં કરે તો આગળ જઈને જિંદગીમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ ચિંતાએ તેને એટલી હદ સુધી ધકેલી દીધો કે તેણે બેઉ બાળકોનો જીવ લીધો અને પછી આત્મહત્યા કરી લીધી હતી. ચંદ્ર કિશોરે તેનાં બેઉ બાળકોને પાણી ભરેલી બાલદીમાં ડુબાવીને મારી નાખ્યાં હતાં અને પછી ઘરમાં જઈને ગળાફાંસો ખાધો હતો.
પત્નીએ શું કહ્યું?
ચંદ્ર કિશોરની પત્ની રાનીએ પોલીસને જણાવ્યું હતું કે તે ઘરે આવી ત્યારે પતિને બેડરૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા અને બેઉ બાળકોના મૃતદેહ બાલદીમાં હતા, આ જોઈને તેના હોશ ઊડી ગયા હતા અને પોલીસને બોલાવી હતી.