16 April, 2024 06:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અયોધ્યા મોકલતાં પહેલાં નાથદ્વારામાં તૈયાર કરવામાં આવેલો મઠડીનો મહાપ્રસાદ.
આવતી કાલે રામનવમી હોવાથી આ વખતે અયોધ્યામાં રામલલા માટે બધા કંઈ ને કંઈ મોકલાવી રહ્યા છે ત્યારે પુષ્ટિમાર્ગે પણ મર્યાદામાર્ગના પ્રભુ શ્રીરામ માટે એક લાખ ને એક મઠડી પ્રસાદ તરીકે મોકલાવી છે.
નાથદ્વારાના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની પ્રધાનપીઠ શ્રીનાથજી મંદિર તરફથી અયોધ્યામાં રામલલાના ભક્તો માટે એક લાખ ને એક મઠડીનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે જે રામનવમીના શુભ અવસરે ત્યાં વહેંચવામાં આવશે. એટલું જ નહીં, રામનવમીએ નાથદ્વારામાં પણ રામજન્મની ખુશીના અવસરે ૧૧,૦૦૦ મઠડીનો પ્રસાદ વહેંચવામાં આવશે.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પીઠાધીશ અને તિલકાયત રાકેશજી બાવા તથા વિશાલ બાવાની પ્રેરણાથી આ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૫૧ વર્ષ પહેલાં ઠાકોરજી નાથદ્વારા પધાર્યા હતા. ત્યાર બાદ પહેલી વાર અયોધ્યા આ રીતે પ્રસાદ મોકલવામાં આવી રહ્યો છે. એક લાખ ને એક મઠડીને બે ટ્રકમાં અયોધ્યા મોકલવામાં આવી છે. એક ટ્રક રવિવારે અને બીજી ટ્રક ગઈ કાલે અયોધ્યા જવા નાથદ્વારાથી રવાના થઈ હતી.
અમારા ગુરુ, પૂજ્ય તિલકાયત મહારાજે આજ્ઞા કરતાં કહ્યું છે કે સ્વયં નારાયણ-લક્ષ્મીપતિ, વિષ્ણુના અવતાર પ્રભુ રામને આપણે વળી શું અર્પણ કરવાના, આપણે તેમની સેવા જ કરી શકીએ, આપણા અહોભાગ્ય કે આપણે પ્રભુનો મહાપ્રસાદ જે નાથદ્વારામાં ઠાકોરજીને અતિપ્રિય છે એ મઠડી વિતરિત કરી રહ્યા છીએ- વિશાલ બાવા