15 August, 2024 07:46 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
૭૮મા સ્વતંત્રતાદિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈ કાલે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું અને એમાં તેમણે જણાવ્યું હતું કે દેશની તાકાત એની વિવિધતામાં રહેલી છે અને આ વિવિધતા જ દેશને આગળ વધારે છે. સામાજિક ન્યાયના મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર માટે સામાજિક ન્યાય અગ્રક્રમે છે અને તેમણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય સમાજના કલ્યાણ માટે ઘણા ઉપક્રમો હાથ ધર્યા છે.
બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને ટાંકીને તેમણે જણાવ્યું હતું કે રાજકીય લોકશાહી ત્યાં સુધી ટકી શકતી નથી જ્યાં સુધી એનો આધાર સામાજિક લોકશાહી ન હોય.
રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજકીય લોકશાહીમાં પ્રગતિ એ સામાજિક લોકશાહીના એકીકરણનો પુરાવો છે.
સ્વતંત્રતાદિવસે તિરંગો લહેરાવવાની ખુશી વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘દેશવાસીઓ આઝાદી દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે અને એ જોઈને મને ખુશી થાય છે. તિરંગો લાલ કિલ્લા પર લહેરાવવામાં આવે કે રાજ્યોની રાજધાનીમાં અથવા આપણી આસપાસ, એ આપણા હૃદયમાં ઉત્સાહ ભરી દે છે. આપણે ભગવાન બિરસા મુંડાની જયંતીને જનજાતિ ગૌરવ દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું છે અને આવતા વર્ષે તેમની ૧૫૦મી જયંતીનો ઉત્સવ રાષ્ટ્રીય પુનર્જાગરણમાં તેમના યોગદાનને વધુ ઊંડાણથી સન્માન આપવાનો અવસર બની રહેશે.’