16 July, 2024 08:00 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ઓમર અબદુલ્લા
જમ્મુ અને કાશ્મીરમાં નૅશનલ કૉન્ફરન્સ પાર્ટીના નેતા ઓમર અબદુલ્લાની છૂટાછેડાની અરજી પર સુપ્રીમ કોર્ટે તેમનાં પત્ની પાયલને એક નોટિસ મોકલી છે જેનો જવાબ તેમણે છ અઠવાડિયાંમાં આપવાનો રહેશે. દિલ્હી હાઈ કોર્ટના ચુકાદા સામે ઓમર અબદુલ્લા સુપ્રીમ કોર્ટમાં ગયા છે. દિલ્હી હાઈ કોર્ટે ક્રૂરતાના આધાર પર પત્નીથી છૂટાછેડા મેળવવાની માગણી કરતી ઓમરની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે પાયલને આ મુદ્દે નોટિસ પાઠવી છે.
કોર્ટમાં ઓમર અબદુલ્લા વતી દલીલ કરતાં સિનિયર ઍડ્વોકેટ કપિલ સિબલે કહ્યું હતું કે ‘લગ્નજીવન તૂટી ગયું છે, છેલ્લાં ૧૫ વર્ષથી તેઓ અલગ રહે છે એટલે આર્ટિકલ ૧૪૨ હેઠળ આ લગ્નને ખતમ કરી શકાય એમ છે.’
૨૦૨૩માં દિલ્હી હાઈ કોર્ટે ૨૦૧૬ના ફૅમિલી કોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો હતો, જેમાં ક્રૂરતાના આધારે છૂટાછેડા આપવાનું નકારવામાં આવ્યું હતું. ફૅમિલી કોર્ટના ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે પાયલ અબદુલ્લા સામે લગાવવામાં આવેલા ક્રૂરતાના તમામ આરોપ અસ્પષ્ટ હતા અને ઓમર અબદુલ્લા આ આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ઓમર અબદુલ્લાની અપીલના મુદ્દે ફૅમિલી કોર્ટે કહ્યું હતું કે અમને ક્રૂરતાની અપીલમાં સચ્ચાઈ દેખાતી નથી એટલે એને ડિસમિસ કરવામાં આવે છે.
૨૦૦૯થી રહે છે અલગ
ઓમર અને પાયલ અબદુલ્લાએ ૧૯૯૪ની ૧ સપ્ટેમ્બરે લગ્ન કર્યાં હતાં, પણ ૨૦૦૯થી તેઓ અલગ રહે છે. તેમના બે પુત્રની કસ્ટડી તેઓ શૅર કરે છે. હાઈ કોર્ટે ઓમર અબદુલ્લાને દર મહિને પત્નીને ભરણપોષણ માટે ૧.૫ લાખ રૂપિયા અને પ્રત્યેક પુત્રદીઠ દર મહિને વધારાના ૬૦,૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.