17 October, 2024 10:37 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે જમ્મુ અૅન્ડ કાશ્મીરના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેતા ઓમર અબદુલ્લા
જમ્મુ અને કાશ્મીરના ૧૪મા મુખ્ય પ્રધાન બન્યા બાદ ઓમર અબદુલ્લાએ આપેલા પહેલા આદેશમાં કહ્યું હતું કે મારા માટે ટ્રાફિક રોકવામાં ન આવે, મને ગ્રીન કૉરિડોરની જરૂર નથી; એનાથી લોકોને પરેશાની ઉઠાવવી પડે છે.
જમ્મુ અને કાશ્મીરમાં મુખ્ય પ્રધાનના કાફલાને પસાર થવા માટે પોલીસ ગ્રીન કૉરિડોર તૈયાર કરે છે, જેથી ટ્રાફિક રોકી દેવામાં આવે છે.
આ મુદ્દે ઓમર અબદુલ્લાએ સોશ્યલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું કે `મેં જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે વાત કરી છે અને હું કોઈ પણ માર્ગ પરથી પસાર થતો હોઉં ત્યારે ગ્રીન કૉરિડોર તૈયાર કરવાની જરૂર નથી, એના બદલે સાઇરનનો મિનિમમ ઉપયોગ કરવામાં આવે જેથી લોકોને ટ્રાફિકમાં ફસાઈ જવામાંથી છુટકારો મળી શકે. પોલીસોએ પણ રસ્તા પર લાઠી ફરાવવા કે આક્રમક હાવભાવથી બચવું જોઈએ. મારા કૅબિનેટ સાથીઓ પણ ગ્રીન કૉરિડોર વિના પ્રવાસ કરે એવી આશા રાખું છું. દરેક ચીજમાં આપણું આચરણ લોકોને અનુકૂળ હોવું જોઈએ, કારણ કે આપણે અહીં લોકોની સેવા કરવા માટે છીએ; તેમને અસુવિધા પહોંચાડવા માટે નહીં.`