ચારધામ યાત્રા માટે ૩૧ મે સુધી ઑફલાઇન રજિસ્ટ્રેશન બંધ

22 May, 2024 08:40 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

ચારધામ યાત્રાના શરૂઆતના ૯ દિવસમાં ૨૯ યાત્રાળુઓએ જીવ ગુમાવ્યા છે. મોટા ભાગના લોકો હૃદય-સંબંધિત બીમારીને લીધે મૃત્યુ પામ્યા છે.

ચાર ધામ

૧૦ મેથી શરૂ થયેલી ચારધામ યાત્રા માટે પહેલા ૧૦ દિવસમાં આશરે સાત લાખ ભાવિકો ઉત્તરાખંડ પહોંચી જતાં ઉત્તરાખંડ પ્રશાસને ૩૧ મે સુધી ઑફલાઇન રજિસ્ટ્રેશન બંધ રાખવાનો નિર્ણય લીધો છે. છેલ્લા એક અઠવાડિયાથી હરિદ્વારમાં ઑફલાઇન રજિસ્ટ્રેશન કાઉન્ટરને બંધ કરી દેવામાં આવ્યું છે.

ઉત્તરાખંડ પ્રશાસને જણાવ્યું હતું કે જે લોકોએ ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ જ તેમણે આપેલી તારીખોમાં ચારધામની યાત્રા કરે, ભાવિકોએ તેમની મેડિકલ હિસ્ટરીને છુપાવવાની કોઈ જરૂર નથી જેથી તેમની યાત્રા સુખદ રહે.

હરિદ્વારના ઋષિકુળ મેદાનમાં ઑફલાઇન રજિસ્ટ્રેશન માટે ૨૦ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યાં હતાં. ૩૦૦ જેટલા ભાવિકોએ તો હરિદ્વાર સિટી મૅજિસ્ટ્રેટની ઑફિસમાં ધામા નાખ્યા છે અને તેઓ એ વાતે અડગ છે કે આ વર્ષે યાત્રા કર્યા વિના તેઓ પાછા નહીં જાય. ઘણા ભાવિકો હોટેલો અને ધર્મશાળામાં રહીને રજિસ્ટ્રેશન ખૂલવાની રાહ જોઈ રહ્યા છે. જે ભાવિકો હરિદ્વારમાં ફસાયા છે તેમને અન્ય ધાર્મિક સ્થળોની યાત્રા લેવા માટે પ્રશાસને અનુરોધ કર્યો છે.

૨૯ યાત્રાળુઓનાં મોત
ચારધામ યાત્રાના શરૂઆતના ૯ દિવસમાં ૨૯ યાત્રાળુઓએ જીવ ગુમાવ્યા છે. મોટા ભાગના લોકો હૃદય-સંબંધિત બીમારીને લીધે મૃત્યુ પામ્યા છે.

national news char dham yatra uttarakhand india religious places