ગુનાહિત છેડછાડ, ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉ​કિંગ સિસ્ટમમાં ખામીને શોધી કાઢવામાં આવશે

06 June, 2023 09:47 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

છેલ્લા બે દાયકાની દેશની સૌથી ભયંકર દુર્ઘટના પૈકીની એક એવી આ ઘટનામાં સીબીઆઇ તમામ પ્રશ્નોના ઉત્તર આપી શકશે

ફાઇલ તસવીર

બાલાસોરમાં થયેલા ટ્રિપલ ટ્રેન ઍક્સિડન્ટની ઘટનાની તપાસ સીબીઆઇ કરશે. કારણ કે ૨૭૫ લોકોનાં મૃત્યુ માટે જવાબદાર આ ઘટના પાછળ કોઈ ગુનાહિત છેડછાડ,  પૉઇન્ટ મશીન કે ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ સિસ્ટમ અથવા તો સિગ્નલિંગમાં ભૂલને કારણે ટ્રેનનો ટ્રૅક બદલાયો હોય એ તમામ ઘટનાની તપાસ કરવામાં આવશે. છેલ્લા બે દાયકાની દેશની સૌથી ભયંકર દુર્ઘટના પૈકીની એક એવી આ ઘટનામાં સીબીઆઇ તમામ પ્રશ્નોના ઉત્તર આપી શકશે.

રેલવેનિષ્ણાત એસ. કે. સિંહાએ કહ્યું કે ‘ઇલેક્ટ્રિક પૉઇન્ટ મશીન રેલવે સિગ્નલિંગ માટે મહત્ત્વનું ડિવાઇસ છે. સ્ટેશન ઇન્ચાર્જ ટ્રેનને રૂટ આપે છે. એક વખત રૂટ લૉક થઈ ગયા બાદ ટ્રેન ત્યાંથી પસાર થાય ત્યાં સુધી એને બદલી શકાતો નથી. ગ્રીન સિગ્નલ ડ્રાઇવરને એ સૂચવે છે કે આ રૂટ એને માટે જ છે અને એ આગળ વધી શકે છે. ભારતીય રેલવે દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ઇલેક્ટ્રૉનિક ઇન્ટરલૉકિંગ સિસ્ટમ ઉચ્ચ કક્ષાની સેફ્ટી સિસ્ટમ ધરાવે છે. એ પોતાની મેળે નિષ્ફળ જાય એવું ન બની શકે. દેશમાં ટ્રૅક ફેલ્યરને કારણે ટ્રેન ખડી પડવાની ઘટના બને છે. ઘણી વખત ભારે ગરમીને કારણે પાટા વાંકા વળી જાય છે અથવા એનાં વેલ્ડિંગ છૂટાં પડી જાય છે. એ ઉપરાંત અસામાજિક તત્ત્વો પણ જાણીજોઈને ટ્રૅકને નુકસાન પહોંચાડે છે. જોકે દિવસમાં બે વખત મૅન્યુઅલી ટ્રૅકનું નિરીક્ષણ કરવામાં આવે છે.’

national news odisha