12 April, 2023 02:08 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૃહપ્રધાન અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાત
ગૃહપ્રધાન અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાત વિશેની ચીનની કમેન્ટ્સને ભારતે ગઈ કાલે ફગાવી દીધી હતી. ભારતે સ્પષ્ટ જણાવ્યું હતું કે આવા વાંધાઓથી ગ્રાઉન્ડ પરની વાસ્તવિકતા નહીં બદલાય. ચીને અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો એમ કહીને વિરોધ કર્યો હતો કે એનાથી ચીનની પ્રાદેશિક અખંડિતતાનો ભંગ થયો છે.
હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ‘ચીનના સત્તાવાર પ્રવક્તા દ્વારા કરવામાં આવેલી કમેન્ટ્સને અમે સંપૂર્ણપણે ફગાવી દઈએ છીએ. ભારતીય નેતાઓ ભારતના બીજા કોઈ પણ રાજ્યમાં જાય છે એમ રૂટીનલી અરુણાચલ પ્રદેશમાં જાય છે.’
તેમણે વધુ જણાવ્યું હતું કે ‘અરુણાચલ પ્રદેશ ભારતનું અવિભાજ્ય અંગ હતું, છે અને હંમેશાં રહેશે. આવી મુલાકાતનો વિરોધ કરવાથી એ વાસ્તવિકતા નહીં બદલાય.’ ચીને ગયા અઠવાડિયામાં અરુણાચલ પ્રદેશમાં કેટલીક જગ્યાઓ પોતાની હોય એમ એનાં નામ બદલ્યાં હતાં.
ગૃહપ્રધાનની વિઝિટ પર ચીનના પ્રવક્તા વેંગ વેનબિને જણાવ્યું હતું કે ‘ઝેંગનન ચીનનો પ્રદેશ છે. ભારતીય પ્રધાનની ઝેંગનનની મુલાકાતથી ચીનની પ્રાદેશિક અખંડિતતાનો ભંગ થાય છે.’