14 September, 2024 08:12 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલકત્તામાં ડૉક્ટર પર રેપ-મર્ડરની ઘટનાથી દેશમાં હાહાકાર મચ્યો છે ત્યારે બિહારના સમસ્તિપુર જિલ્લાના મુસરીધરારી પોલીસ-સ્ટેશનની હદમાં ગંગાપુરની પ્રાઇવેટ હૉસ્પિટલ RBS હેલ્થકૅરના હૉસ્પિટલ ઍડ્મિનિસ્ટ્રેટર ડૉ. સંજય કુમાર અને તેના બે સાથીઓ સુનીલ કુમાર ગુપ્તા અને અવધેશ કુમારે બુધવારે રાતે એક નર્સ પર ગૅન્ગરેપ કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ હિંમતબાજ નર્સે તેના હુમલાખોર ડૉક્ટરના પ્રાઇવેટ પાર્ટને બ્લેડથી કાપી નાખ્યો હતો અને નાસી છૂટવામાં સફળ રહી હતી. આ કેસમાં ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નર્સ તેનું કામ આટોપીને ઘરે જવાની તૈયારી કરી રહી હતી ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ હુમલા પહેલાં ચિક્કાર દારૂ પીધો હતો અને હૉસ્પિટલનો મુખ્ય દરવાજો અને CCTV કૅમેરા બંધ કરી દીધા હતા. જોકે નર્સે ભાગીને બાજુમાં આવેલા ખેતરમાં છુપાઈ જઈને પોલીસને ફોન કર્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી દારૂની બૉટલ, આરોપીનાં લોહીથી લથબથ કપડાં, નર્સે હુમલો કર્યો હતો એ બ્લેડ તથા ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યાં હતાં. બિહારમાં દારૂબંધી હોવાથી આરોપીઓ સામે બળાત્કારના પ્રયાસ ઉપરાંત દારૂબંધીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.