મહાકુંભની સુરક્ષાની જવાબદારી હવે NSGના ૨૦૦ કમાન્ડોના હાથમાં

08 January, 2025 12:39 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

આતંકવાદીઓને ઓળખી કાઢવા પાંચ રાજ્યોમાંથી સ્પૉટર્સની ૩૦ ટીમો પણ ખડેપગે

મહાકુંભ

પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા મહાકુંભમાં દેશવિદેશથી અનેક મહાનુભાવો આવવાના હોવાથી આતંકવાદી હુમલાના ખતરાને ધ્યાનમાં રાખીને સુરક્ષાની જવાબદારી નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્‍સ (NSG)ને સોંપવામાં આવી છે. મહાકુંભમાં કુલ ૨૦૦ NSG ગાર્ડ તહેનાત કરવામાં આવશે, જે પૈકી ૧૦૦ કમાન્ડોએ મોરચો સંભાળી લીધો છે. દરેક ટીમમાં ૫૦ કમાન્ડો સામેલ છે. બે ટીમો સોમવારે હેલિકૉપ્ટરની મદદથી આધુનિક હથિયારો સાથે કુંભ ક્ષેત્રમાં પહોંચી છે અને બાકીની બે ટીમો પણ આગામી દિવસોમાં પહોંચી જશે.

મહાકુંભમાં આવનારા આતંકવાદી સંદિગ્ધોની ઓળખ કરવા માટે પાંચ રાજ્યોમાંથી સ્પૉટર્સની ૩૦ ટીમો બોલાવવામાં આવી છે જે પૈકી ૧૮ ટીમો ઍક્ટિવ થઈ ચૂકી છે. આ ટીમો મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને નૉર્થ ઈસ્ટનાં રાજ્યોમાંથી આવી છે. આ સ્પૉટર્સ આતંકવાદીઓ અને કુખ્યાત અપરાધીઓની સાથે જ સંદિગ્ધ ગતિવિધિ કરનારાઓની ઓળખ કરી લેશે.

ઉત્તર પ્રદેશ પોલીસના ૧૫,૦૦૦ જવાન
કુંભમેળાની સુરક્ષામાં ઉત્તર પ્રદેશના ૭૦ જિલ્લામાંથી ૧૫,૦૦૦ પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસો માટે આઠ-આઠ કલાકની શિફ્ટ રહેશે અને તેમના સ્વાસ્થ્યની દેખભાળ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રયાગરાજમાં રેલવે-ટ્રૅકની સુરક્ષા માટે ૫૦૦ જવાન
મહાકુંભ દરમ્યાન રેલવે-ટ્રૅકની દેખભાળ માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના ૫૦૦ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. તેમને આધુનિક ઉપકરણો પણ આપવામાં આવ્યાં છે. 
અલગ-અલગ શિફ્ટમાં આ જવાનો રેલવે ટ્રૅકની સુરક્ષા કરશે. આ સાથે વિશેષ કોરસ કમાન્ડો ડ્રોન કૅમેરા અને ૧૦૦૦ ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા સાથે ચાંપતી નજર રાખશે.

ભક્તોના આવાસ તૈયાર છે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સંગમ તટ પર મહાકુંભમાં આવનારા ભક્તોના રહેવા માટે ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે એનો ભવ્ય નઝારો.

uttar pradesh prayagraj kumbh mela terror attack national news news