09 January, 2023 11:04 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટમાં મહિલા સહ-મુસાફર પર પેશાબ કરવાનો મામલો હજુ થાળે નથી પડ્યો ત્યાં ઈન્ડિગો (Indigo)ની ઘટના સામે આવી છે. દિલ્હી (Delhi)થી ઈન્ડિગો(Indigo)ની ફ્લાઈટમાં નશામાં ધૂત શખ્સે એર હોસ્ટેસની છેડતી અને ફ્લાઈટના કેપ્ટન સાથે મારપીટ કરી હતી. બિહારની રાજધાની પટનામાં આ મામલો સામે આવ્યો છે. ફ્લાઈટ પટના પહોંચ્યા બાદ બે મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક મુસાફર ફરાર હોવાનું કહેવાય છે. બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર ત્રણ યુવકો નશાની હાલતમાં દિલ્હીથી પટના જતી ફ્લાઈટમાં ચઢ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે લગભગ 80 મિનિટની ફ્લાઇટ દરમિયાન ત્રણેયે એર હોસ્ટેસ સાથે દુર્વ્યવહાર કર્યો અને છેડતી કરી અને જ્યારે એરક્રાફ્ટના કેપ્ટન વચ્ચે આવવા પહોંચ્યા તો ત્રણેયએ તેની સાથે મારપીટ કરી. આ ઘટનાની જાણકારી પટના એરપોર્ટ ઓથોરિટી અને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ને ફ્લાઈટ દરમિયાન જ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: Air India: કયારેક સાપ તો ક્યારેક પેશાબની ઘટના...અને હવે ઈમરજન્સી લેન્ડિંગ
આ પછી પટના પહોંચતા નીતિન અને રોહિત નામના મુસાફરોને તરત જ CISF દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા અને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યા, જેમણે બંનેની ધરપકડ કરી. ત્રીજો મુસાફર પિન્ટુ ભાગી ગયો હતો. ઈન્ડિગો એરલાઈને ત્રણેય મુસાફરો વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જના જણાવ્યા મુજબ, બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાં બંને ધરપકડ કરાયેલા મુસાફરોએ દારૂનું સેવન કર્યુ હોવાની પુષ્ટિ થઈ છે.