18 May, 2023 04:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
વિવાદોથી ઘેરાયેલા પશ્ચિમ બંગાળ (West Bengal)માં `ધ કેરલ સ્ટોરી` (The Kerala Story)ની રિલીઝનો રસ્તો સાફ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે આ ફિલ્મ પર રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે. એટલે કે હવે આ ફિલ્મ પશ્ચિમ બંગાળમાં પણ રિલીઝ થશે. સુપ્રીમ કોર્ટે આજે જ પશ્ચિમ બંગાળમાં `ધ કેરલ સ્ટોરી` પર લાદવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ નિર્માતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી.
આ દરમિયાન CJIએ કહ્યું છે કે, “અમે 8 મેના રોજ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ફિલ્મ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી રહ્યા છીએ. આ પ્રતિબંધ માટે કોઈ નક્કર આધાર નથી.” આ સાથે કોર્ટે તમિલનાડુ સરકારને પણ નિર્દેશ આપ્યો છે કે તે ફિલ્મના પ્રદર્શન માટે તમામ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરે અને ફિલ્મ જોનારાઓની સુરક્ષા સુનિશ્ચિત કરે.
બંગાળ સરકારે પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો
આ પહેલા કેસની સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળ સરકારે ફિલ્મ `ધ કેરલ સ્ટોરી` પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આપેલા એફિડેવિટમાં પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું હતું કે ફિલ્મ `ધ કેરલ સ્ટોરી` નકલી તથ્યો પર આધારિત છે અને તેમાં નફરતભર્યા ભાષણ છે, જે સાંપ્રદાયિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આ ફિલ્મ સમુદાયો વચ્ચે નફરત પેદા કરી શકે છે, જેનાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે. એફિડેવિટમાં, પશ્ચિમ બંગાળ સરકારે પ્રતિબંધ પાછળની ગુપ્તચર માહિતીનો આધાર લીધો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે આજે આ ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.
આ પણ વાંચો: ગુજરાતના જુડિશ્યલ ઑફિસર્સની અરજી પર સુપ્રીમ કોર્ટ જુલાઈમાં સુનાવણી કરશે
`ધ કેરલ સ્ટોરી` વર્ષની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની
ઉલ્લેખનીય છે કે `ધ કેરલ સ્ટોરી`ની રિલીઝના પહેલા દિવસથી જ દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને આ ફિલ્મ બોક્સ ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. `ધ કેરલ સ્ટોરી`એ રણબીર કપૂર સ્ટારર તુ જૂઠી મેં મક્કારનું લાઈફટાઈમનું કલેક્શન પણ 149.05 કરોડ રૂપિયાને પાર કર્યું છે. રિલીઝના 13 દિવસ બાદ ફિલ્મની કુલ કમાણી 165.94 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ટૂંક સમયમાં તે 200 કરોડના ક્લબમાં સામેલ થવાની આશા છે. `ધ કેરલ સ્ટોરી`નું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધિ ઈદનાની અને સોનિયા બાલાની મહત્ત્વની ભૂમિકામાં છે.