29 November, 2024 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે એવી ઍરો ડાયનૅમિક દેશી બુલેટ ટ્રેનની ડિઝાઇન અને મૅન્યુફેક્ચરિંગ ભારતમાં કરવામાં આવી રહ્યાં છે. આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય સુધીર ગુપ્તા અને અનંત નાયક દ્વારા પૂછવામાં આવેલા એક લેખિત સવાલના જવાબમાં કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે બુધવારે લોકસભામાં જણાવ્યું હતું કે ‘મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ વંદે ભારત ટ્રેનોની સફળતા બાદ ભારતીય રેલવેએ હવે હાઈ સ્પીડ ટ્રેનોની ડિઝાઇન અને મૅન્યુફૅક્ચરિંગ શરૂ કરી દીધાં છે. દેશમાં હવે વંદે ભારત જેવી હાઈ સ્પીડ ટ્રેનો પાટા પર દોડવાની છે. ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (ICF) ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ના સહયોગમાં હાઈ સ્પીડ ટ્રેન સેટની ડિઝાઇન અને એનું નિર્માણ કરી રહી છે. આ ટ્રેનોની હાઇએસ્ટ સ્પીડ ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે ઑપરેટિંગ સ્પીડ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આમ ભારતના રેલવે-પ્રવાસીઓ હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચી શકશે.’