18 January, 2023 10:10 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મેટ્રો (Metro) લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે કારણ કે તે અન્ય વાહનોની તુલનામાં ઓછું ભાડું લે છે અને તે આરામદાયક પણ છે. આવી સ્થિતિમાં, તમને મેટ્રોની એક ખાસ ઑફર વિશે જાણો જેથી પ્રવાસીઓને 10 દિવસ માટે મફતમાં સ્માર્ટકાર્ડ લઈ શકશે અને આ માટે તેમને કોઈ કિંમત પણ ચૂકવવી નહીં પડે.
હકીકતમાં, નોએડા મેટ્રો રેલ કોર્પોરેશન (NMRC) 26 જાન્યુઆરીથી 10 દિવસ માટે મુસાફરોને મફત સ્માર્ટ કાર્ડ આપશે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી છે. NMRC દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પગલું નોએડા અને ગ્રેટર નોએડાને જોડતા મેટ્રો નેટવર્કની એક્વા લાઈનની શરૂઆતની ચોથી વર્ષગાંઠના અવસર પર લેવામાં આવ્યું છે.
આ પગલું ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે અને કાર્ડના બદલામાં મુસાફરો પાસેથી કોઈ પૈસા લેવામાં નહીં આવે, જેથી મુસાફરો ડિજિટલ માધ્યમથી વધુને વધુ પેમેન્ટ કરી શકે. નોએડા મેટ્રો રેલના પ્રવક્તા નિશા વાધવને જણાવ્યું હતું કે નોએડા મેટ્રો રેલ્વે નેટવર્ક એક ઝડપી પરિવહન પ્રણાલી છે જે નોએડા અને ગ્રેટર નોએડાને જોડે છે. આ મેટ્રો નેટવર્ક, એક્વા લાઇનમાં કુલ 21 સ્ટેશનો છે, જેની કુલ લંબાઈ 29.7 કિલોમીટર છે.
મુસાફરોની સંખ્યામાં થઈ રહ્યો છે સતત વધારો
તેમણે કહ્યું કે મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. નોએડા મેટ્રો રેલ કોર્પોરેશને (NMRC) સોમવારે પાછલા રેકોર્ડને તોડતા મુસાફરોની બાબતમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. NMRCના મેનેજિંગ ડિરેક્ટર રિતુ મહેશ્વરીએ જણાવ્યું હતું કે 16 જાન્યુઆરીએ 56 હજાર 168 મુસાફરોએ એક્વા લાઇન દ્વારા મુસાફરી કરી હતી, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. તેમણે કહ્યું કે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર, NMRC અમૃત મહોત્સવની ઉજવણી કરવાનું ચાલુ રાખે છે.
આ પણ વાંચો : હવે મુંબઈના આ સ્ટેશન પર પણ ઊભી રહેશે ગાંધીનગર જતી વંદે ભારત એક્સપ્રેસ, જાણો વિગત
મહેશ્વરીએ જણાવ્યું હતું કે સફળતાપૂર્વક ચાલી રહેલી NMRC એક્વા લાઇનની ચોથી વર્ષગાંઠ 26 જાન્યુઆરી, 2023ના રોજ ઉજવવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સેક્ટર-51 મેટ્રો સ્ટેશન પર એક વધારાનું એક્સ-રે સ્કેનિંગ મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સેક્ટર-51માં બે ટિકિટ વેન્ડિંગ મશીન અને નોલેજ પાર્ક-2માં એક ટિકિટ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે. તે જ સમયે, આ સ્ટેશન પર AFC એટલે કે ઓટોમેટિક ફેર કલેક્શન મશીન પણ સ્થાપિત કરવામાં આવ્યું છે.